ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ખેડૂતોને ભારે નુકસાની થયુ છે. આ સ્થિતિમાં ખેડૂતોની નુકસાનીની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યની વિજય રૂપાણી સરકારે 500 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે. આ રાહત સરવે કરી અને એક અઠવાડિયામાં આ પેકેજ ફાળવી દેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે ગાંધીનગરથી ફેસબૂક લાઇવના માધ્યમથી આ રાહત પેકેજની જાહેરાત કરી હતી.
રૂપાણીએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર આ નુકસાનીમાં ખેડૂતોંની પડખે છે અને ખેડૂતોને સહાયતા કરવા માટે તત્પર છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો નુકસાનીનો સર્વે આવતીકાલ સુધીમાં સમાપ્ત થઈ જશે. એક અઠવાડિયામાં આ રાહત પેકેજ ખેડૂતોને સીધા બેંક ખાતામાં પહોંચાડી દેવામાં આવશે. આ સિવાય આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્સ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.
સીએમ રૂપાણીએ એમ પણ જાહેર કર્યું કે, બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
સીએમ વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં 33 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. 20,000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.