ગુજરાત સરળ ગણાતી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ભોયમાંથી ભાલા નીકળે તેવી સ્થિતિ
ભાજપને હવે સ્થાનિક નેતૃત્વ કોઇ ઉકેલ શોધવામાં નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માત્ર આશા તરીકે જોવાય છે
રાજકોટ જ નહીં વડોદરા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, વલસાડ બેઠક પર પણ ભાજપમાં આંતરીક અસંતોષ છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 11 – ગુજરાત સરળ ગણાતી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ભોયમાંથી ભાલા નીકળે તેવી પરિસ્થિતિ અનેક સંસદીય બેઠકો પર થઇ છે અને ખાસ કરીને રાજકોટમાં જે રીતે પક્ષના ઉમદેવાર પરસોતમ રુપાલાએ ક્ષત્રિય સમુદાય અંગે વિધાનો કર્યા તેની આગ સમગ્ર ગુજરાતમાં છે અને ક્ષત્રિય સમુદાય રુપાલાની માફીને સ્વીકારવા તૈયાર નથી તથા તેમના સ્થાને ભાજપ નવા ચહેરાને પસંદ કરે તેવી માંગણી સાથે હવે આંદોલનને ઉગ્ર બનાવી રહ્યો છે.
તે સમયે ભાજપને હવે સ્થાનિક નેતૃત્વ કોઇ ઉકેલ શોધવામાં નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માત્ર આશા તરીકે જોવાઇ રહ્યા છે. ફકત રાજકોટ જ નહીં વડોદરા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, વલસાડ બેઠક પર પણ ભાજપમાં આંતરીક અસંતોષ છે અને ખાસ કરીને જે રીતે ચૂંટણી પૂર્વે ભાજપે મોટા પાયે ભરતી મેળા ચલાવ્યા તેનાથી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ અને ટેકેદારો ભાજપમાં આવ્યા છે જેના કારણે ભાજપમાં કામ કરતાં પાયાના કાર્યકર્તાઓનો ગુસ્સો વધી રહ્યો છે.
એટલુંજ નહીં વિધાનસભાની પાંચ બેઠકો પર જ્યાં કોંગ્રેસના અને ‘આપ’ના ધારાસભ્યોને ખેડવીને તેમના વિધાનસભામાંથી રાજીનામા લઇ પેટા ચૂંટણીને આમંત્રણ આપી અને હવે ફરી તે જ પક્ષ પલ્ટુઓને ટીકીટ આપીને તેમને ચૂંટી કાઢવાની જવાબદારી ભાજપના કાર્યકર્તાઓ પર નાખવામાં આવી છે. એટલું જ નહીં આ જ બેઠકો પર ભાજપના અનેક સિનિયર નેતાઓને પણ મુળ કોંગ્રેસીઓનો ઝંડો પકડવો પડે તેવી પરિસ્થિતિ છે.
તે પણ એક ફેક્ટર લોકસભા અને ધારાસભાની પેટા ચૂંટણીઓમાં બની શકે છે. આ ઉપરાંત ભાજપે ઘા પર મીઠુ ભભરાવા જેવી સ્થિતિ સાબરકાંઠામાં બનાવી છે. જ્યાં પક્ષના વફાદારને ઉતાવળે ખસેડીને રાતોરાત ભાજપી બનેલા શોભનાબેન બારૈયાને ટીકીટ આપી દીધી. વડોદરામાં પણ આજ રીતે ઉમેદવાર બદલવા પડ્યા અને હવે જે અસંતોષ છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં હવે વધુ સમય આપવો પડશે તે નિશ્ચિત છે.
આગામી દિવસોમાં લોકસભા બેઠકના કલ્સટર બનાવીને વડાપ્રધાનની સભાઓ યોજાશે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ છે તેમાં પણ વડાપ્રધાન મોદી શું કરી શકે તે અંગે દિલ્હીમાં ચકાસાઇ રહ્યું છે અને માનવામાં આવે છે કે ભાજપે ઉમેદવારી પૂર્વે જ કોઇ ઉકેલ શોધશે.