મારા કારણે આ દેશ માટે 18-18 કલાક કામ કરનાર વડાપ્રધાન સામે વિરોધ યોગ્ય નથી
ક્ષત્રિય સમાજે દેશ અને આ પક્ષ માટે કરેલી કામગીરી અને યોગદાન ભૂલી શકાય તેમ નથી
ગરવી તાકાત, જસદણ, તા. 27 – ક્ષત્રિય સમાજના જોરદાર વિરોધનો સામનો કરી રહેલા રાજકોટની લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ફરી એક વખત માફીનો અનુરોધ કરવા સાથે એવું નિવેદન કર્યુ છે કે ભુલ મારી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે સમગ્ર ભાજપ સામે વિરોધ કરવાનું યોગ્ય નથી.
જસદણમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત થયેલા ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટીપ્પણી મુદે વધુ એક વખત માફી માંગતા એમ કહ્યું કે મેં ભુલ કરી છે અને તેની માફી પણ માંગી છે પણ મારા કારણે આ દેશ માટે 18-18 કલાક કામ કરનાર વડાપ્રધાન સામે વિરોધ યોગ્ય નથી. જે વ્યકિત 140 કરોડની જનતાને પોતાનો પરિવાર સમજે છે તેમની સામે વિરોધ ન કરો, તેમની સામેનો આક્રોશ યોગ્ય નથી માટે પુન: વિચાર કરો.
ચૂંટણની હારજીત માટે નહીં પરંતુ સારા સમાજ જીવન માટે આપ સૌને અપીલ કરૂ છું. ક્ષત્રિય સમાજે દેશ અને આ પક્ષ માટે કરેલી કામગીરી અને યોગદાન ભૂલી શકાય તેમ નથી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામેનો રોષ શાંત પડતો નથી અને માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજયભરમાં વધુને વધુ વકરી રહ્યો છે ત્યારે રૂપાલાને વધુ એક વખત માફી માંગીને આક્રોશ ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે. પોતાના કારણે વડાપ્રધાન સામે વિરોધ ન કરવાનું તેમણે કહ્યું હતું.