► હજુ જીએસટીના બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી યુનિટ વધુ કંપનીઓને નોટીસ આપશે: ઉઘરાણી રૂા.1 લાખ કરોડથી વધી જશે
► ટીમ ઈન્ડીયાની સ્પોન્સર ડ્રીમ ઈલેવનને રૂા.25000 કરોડ ભરવા પ્રી શોકોઝ નોટીસ : પ્લે 24*7 સહિતની કંપનીઓને પણ ટેક્ષ ભરવા જણાવાયું
ગરવી તાકાત, તા. 26- ભારતમાં ફેન્ટસી સ્પોર્ટસ પ્લેટફોર્મ ડ્રીમ-ઈલેવન સહિતની ઓનલાઈન ગેમીંગ કંપનીઓ પર ડિરેકટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સે સકંજો કરતા રૂા.55000 કરોડની જીએસટી વસુલાત નોટીસ પાઠવી છે. તેમાં ટીમ ઈન્ડીયાની સ્પોન્સર ડ્રીમ ઈલેવનને રૂા.25000 કરોડ તથા અન્ય ઓનલાઈન ગેમીંગ કંપનીઓનો સમાવેશ થાય છે અને હજુ આગામી દિવસોમાં વધુ કંપનીઓને આવરી લેવાશે જેથી આ વેરા-ડિમાન્ડ રૂા.1 લાખ કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. ગત સપ્તાહથી આ નોટીસો પાઠવવાનો પ્રારંભ થયો છે
અને હાલ સાત રીયલ મની ગેમીંગ એપ કંપનીઓને આ નોટીસ પાઠવવામાં આવી છે. હાલમાં જ સરકારે ઓનલાઈન ગેમીંગ પર 28% જીએસટી જે એપ. પર બેટીંગ લેવાય તેની પુરેપુરી રકમ પર વસુલવાનું નોટીફીકેશન જાહેર કર્યુ હતું અને સમગ્ર તપાસ જીએસટીની મુંબઈ ઈન્ટેલીજન્સ વિંગ કરી રહી છે. આ પ્રી શોકોઝ નોટીસ છે જે બાદમાં શોકોઝ નોટીસ પણ ઈસ્યુ થશે. આ નોટીસ જે કંપનીઓને પાઠવવામાં આવી છે. ડ્રીમ ઈલેવન ઉપરાંત પ્લેગેમ 24 બાય 7 જે રમી સર્કલ, માય ઈલેવન સર્કલ ચલાવે છે તેને રૂા.20000 કરોડને નોટીસ પાઠવાઈ છે. આ નોટીસ એ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટેક્ષ- પ્રી શોકોઝ નોટીસ માનવામાં આવે છે.
અગાઉ રૂા.21000 કરોડની નોટીસ ગેમકાફટને ફટકારવામાં આવી હતી. જો કે બાદમાં આ કંપનીએ તેનું એપ. પણ બંધ કરી દીધું હતું. પ્લે ગેમ 24 બાય 7 એ રમી સર્કલ સહિતની અનેક રીયલ મની ગેમ રમાડે છે. જેમાં રમી ઉપરાંત મોકર, પુલ અને ફેન્ટલી સ્પોર્ટસનો પણ સમાવેશ થાય છે. હજુ જીએસટીના દિલ્હી, હૈદરાબાદ અને બેંગલુરુ યુનિટ પણ આ પ્રકારે નોટીસ ફટકારશે. મુંબઈ યુનિટ લાંબા સમયથી તેની તપાસ ચલાવી રહ્યું છે અને નોટીફીકેશન ઈસ્યુ થતા તેનો માર્ગ પણ સરળ બની ગયો હતો અને હવે કંપનીઓ તેની સામે પ્રથમ જીએસટી શોકોઝ નોટીસ સામે ઓથોરીટી સમક્ષ તેનો વાંધો રજુ કરશે.