મહેસાણામાં પૌત્રી સાથે એકલવાયું જીવન જીવતા કાકાએ લુધિયાણમાં દુલ્હન મનદીપ સાથે ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા
શાદી ડોટ કોમ પરથી સંપર્કમાં આવેલી પંજાબી દુલ્હન આ અગાઉ સાત દુલ્હાને અગાઉ ચૂનો લગાવી ચૂકી છે
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – મૂળ પંજાબના અને વર્ષોથી મહેસાણામાં રહેતા એક પંજાબી કાકાને પંજાબી દુલ્હન સાથે લગ્ન કરવા ભારે પડ્યાં છે. મહેસાણા ખાતે રહેતા કાકાની પત્ની અને પુત્રનું કોરોના દરમિયાન મોત થયું હતું. ત્યારે આ પંજાબી કાકા પોતાની પૌત્રી સાથે એકલવાયું જીવન જીવતા હતા જેથી પોતાની પૌત્રી માટે કાકાએ બીજા લગ્ન કરવા પડે તેમ હોઇ તેઓએ શાદી ડોટ કોમમાં નોંધણી કરાવી હતી. જેને પગલે પંજાબના લુધિયાણામાં રહેતી મનદીપ કૌર નામની પંજાબી દુલ્હનના સંપર્કમાં આવ્યાં હતા અને અંદાજિત અઢી માસ અગાઉ પંજાબના લુધિયાણા જઇ ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આ પંજાબી દુલ્હન કાકાને વિવિધ બહાના બતાવીને રોકડ દાગીના સહિત 98 લાખનો ચૂનો ચોપડતાં આ બાબતે કાકાએ મહેસાણા બી. ડિવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા આવીને ઘણા દિવસો કાકાએ મનદીપની રાહ જોઇ, પણ તે મહેસાણા આવવાનું નામ નહોતી લેતી. કાકા ફોન કરે તો અલગ અલગ બહાનાં ધરતી હતી, જેથી કાકાને દાળમાં કંઇક કાળું લાગતાં તેમણે મનદીપ વિશે જાણકારી મેળવવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન કાકાને ખબર પડી કે મનદીપે આવી રીતે અન્ય લોકો સાથે પણ લગ્ન કરીને ઠગાઈ કરેલી છે. બાદમાં છેતરાયેલા કાકાએ હિસાબ માંડ્યો તો ખબર પડી કે મનદીપે ટુકડે ટુકડે કાકા પાસેથી રોકડ તેમજ દાગીના મળી કુલ 98 લાખ 93 હજાર 500 રૂપિયાની ઠગાઇ કરી છે,
જેથી કાકાએ મંગળવારે તેમની નવી પત્ની મનદીપ કૌર, તેની બહેનપણી શિલ્પા શર્મા અને મનદીપના પુત્ર ગુરુપ્રીત સિંહ સામે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે કાકાએ જણાવ્યું કે મેં મનદીપની તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે આ મનદીપે મારા સિવાય અગાઉ અન્ય સાત લોકો સાથે આવી રીતે લગ્ન કરી ઠગાઈ આચરી છે તેમજ આ સ્ત્રી સામે પંજાબના કેટલાક પોલીસ મથકોમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.