વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરાયા બાદ રસ્તો તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે

ગરવીતાકાત,પાલનપુર: પાલનપુરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં વરસાદની ઋતુમાં પાણી ભરાવવાની ભારે સમસ્યાને પગલે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ થયા બાદ તોડેલા રસ્તાનું સમારકામ ન કરવામાં આવતા હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન કાદવ કીચડ અને ઉબડ ખાબડ રસ્તાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિને પગલે અવાર નવાર લોકોને ભોગવવાનો વારો આવે છે. તેમાં નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ અને ભૂગર્ભ ગટરના કામમાં વ્યાપક ગેરરીતીની રાવ વચ્ચે તાજેતરમાં જ શહેરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં દર વર્ષે ગળાડૂબ પાણી ભરાઇ જતા હોય લોકોને ઘરવખરી પણ પાણીમાં ડુબી જતી હોવાથી પાણી ભરાવાની સમસ્યાને કાયમી ઉકેલ લાવવા માટે વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઇ હતી. અને આ કામગીરી દરમિયાન આ વિસ્તારથી માંડી કંથેરીયા હનુમાન સુધી રસ્તો તોડી દેવામાં આવ્યો હતો. જોકે આ કામગીરી પૂર્ણ થયા બાદ હજુ સુધી રસ્તાનું સમારકામ કરવામાં ન આવતા આ માર્ગેથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ કાદવ કિચડ તેમજ ઉબડ ખાબડ રસ્તાથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ શહેરના અન્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ તૂટી જવાથી પાણી ભરાઇ રહેવાની સમસ્યા અને ઉબડ ખાબડ રસ્તાઓથી લોકોને પડતી મુશ્કેલી સંદર્ભે પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે.

તસ્વીર અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

Contribute Your Support by Sharing this News: