ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના નાનીદાઉ ગામના નિવૃત આર્મીમેનનું મંગળવાર બપોરે મોટીદાઉ પાટિયા પાસે બાઇક સ્લીપ ખાતાં ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. નાનીદાઉના દાદાભાના વાસમાં રહેતા પ્રહલાદજી શંકરજી વાઘેલા (52) આર્મીમાંથી નિવૃત થયા બાદ રેલવેમાં ગેટમેન તરીકે ફરજ બજાવતા હતા.
મોટીદાઉ પાટિયાથી ગામ તરફ જઇ રહ્યા હતા. ત્યારે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ ખાઇ જતાં રોડ પર પટકાયા હતા. જેમાં પ્રહલાદજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને ખાનગી વાહનમાં સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.