-> નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપવા જિલ્લાવાસીઓને કરી અપીલ :
-> દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી :- અધિક નિવાસી કલેકટર
ગરવી તાકાત મહેસાણા : આજરોજ મહેસાણા કલેકટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેકટરશ્રી જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાનો ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારીશ્રી પલ્કેશકુમાર એચ.ચૌધરી દ્વારા અધિક નિવાસી કલેકટર જે.કે.જેગોડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી જસવંત જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. અધિક નિવાસી કલેકટરશ્રી જસવંત કે. જેગોડાએ અપીલ કરતાં જણાવ્યું હતું કે પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના સશસ્ત્ર સેનાના સૈનિકો યુદ્ધ સિવાય કાયદો.

અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી પ્રકોપ, માનવ સર્જીત અકસ્માત કે આપદાઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમુલ્ય સેવા બજાવવા અગ્રસર રહે છે. દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી થાય છે. વધુમાં તેમણે કહ્યું કે સૈનિકોના પરીવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનર્વસવાટ માટે.

તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રની નિતિના ફલસ્વરૂપ તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ઘણી નાની ઉમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરવામાં આવતા સૈનિકો અને તેઓના પરીવારજનોના કલ્યાણ માટે ચિંતા કરવી એ આપણી ફરજ છે. ગતવર્ષે ૯ લાખ જેટલું ભંડોળ એકઠું કરવામાં સફળતા મળી હતી. આ વર્ષે પણ સશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૨૫-૨૦૨૬ માં મહત્તમ ફાળો આપવા સર્વ કચેરી/સંસ્થા/શાળાઓ/વ્યક્તિને તથા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. આ તકે જિલ્લા મદદનીશ સૈનિક કલ્યાણ અધિકારીશ્રી પલ્કેશકુમાર એચ.ચૌધરી સહીત જિલ્લાના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



