કેન્દ્ર સરકારે બંગાળના મુખ્ય સચિવ અલપ્પન બંદોપાધ્યાયની બદલી કરી નાખી છે. IAS બંદોપાધ્યાયને દિલ્હીને રિપોર્ટ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. બંગાળમાં, યાસ ચક્રવાતના અસરગ્રસ્ત લોકો અને રાહત કાર્યને લગતી સમીક્ષા બેઠકના વિવાદ બાદ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના સૂત્રોનુ કહેવુ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને મુખ્ય સચિવે PMને ઇરાદાપૂર્વક 30 મિનિટથી વધુ રાહ જોવડાવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવની બદલી માટે એક પત્ર મોકલવામાં આવ્યો છે.જેમા લખ્યું છે કે નિમણૂંક બાબતોની કેબિનેટ સમિતિએ 1987 કેડરના IAS અલપ્પન બંદોપાધ્યાયને તાત્કાલિક અસરથી ભારત સરકારની સેવાઓમા લેવાનો નિર્ણય કર્યો છે.
સરકારનો આ નિર્ણય નિર્ણય IAS 1954 ના નિયમ 6 (1) હેઠળ કરવામાં આવ્યો છે. બંગાળ સરકારને તાત્કાલિક અસરથી બંદોપાધ્યાયને સેવામાંથી મુક્ત કરવા વિનંતી કરવામાં આવી છે. બંદોપાધ્યાયને 31 મે 2021 ના રોજ નોર્થ બ્લોકમાં કાર્મીક અને તાલીમ વિભાગને સીધો અહેવાલ આપવા કહેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈયે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચક્રવાતથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારોની મુલાકાતે હતા. ઓડિશાના અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ સર્વે બાદ તે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જી માત્ર 15 મિનિટ માટે મળ્યા હતા. ચક્રવાતથી થયેલા નુકસાનના આકલન માટેની સમીક્ષા બેઠક દરમિયાન સીએમ મમતા બેનર્જી હાજર નહોતા રહ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા ત્યારે પશ્ચિમ બંગાળ સરકારમાંથી કોઈ નહોતું. મમતા બેનર્જી અને રાજ્યના મુખ્ય સચિવ એક જ કેમ્પસમાં હાજર હતા, પરંતુ તે દરમિયાન પીએમને મળવા માટે કોઈ આવ્યું ન હતું. પીએમ મોદી કલાઈકુંડા પહોંચી ગયાના લગભગ 30 મિનિટ પછી સીએમ મમતા ત્યાં પહોંચ્યા હતા અને ડોક્યુમેન્ટ પીએમને સોંપી જતા રહ્યા હતા. આ ઘટનાક્રમ બાદ ભાજપના નેતાઓ મમતા બેનર્જી પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ મમતા બેનર્જી પર વડાપ્રધાન પદના અપમાનનો આરોપ લગાવ્યો છે.