— આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી, જેનો ચુકાદો અનામત રાખાયો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં 79 પરીક્ષા કેન્દ્રો પર થોડા દિવસ પહેલા વન રક્ષકની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં ઉનાવા મીરા દાતાર હાઇસ્કુલમાં પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, વહીવટી તંત્ર દ્વારા ઉમેદવાર પાસેથી સાહિત્ય પકડાયું હતું અને કોપી કેસની ઘટના સ્વીકારી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે પરીક્ષામાં ગેરરીતી થયાના આક્ષેપો બાદ ઉમેદવાર સામે હાલમાં કોપી કેસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ કેસમાં કુલ 8 લોકો સંડોવાયેલા હોવાનું સામે આવતા તમામને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા. જે બાદ તમામ આરોપીઓના ઊંઝા કોર્ટે 4 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. જે આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થયા હતા. જેથી આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. બાદમાં કોર્ટના હુમકથી 8 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા
વનરક્ષક પેપરમાં ત્રણ પરીક્ષાર્થીને ગેરરીતિ આચરવામાં મદદ કરવાના પ્રકરણમાં થયેલા પર્દાફાશ બાદ પોલીસે શિક્ષક રાજુ ચૌધરી, પટ્ટાવાળો ઘનશ્યામ પટેલ, સુપરવિઝન કરનાર અલ્પેશકુમાર કાંતિલાલ પટેલ, સુમિત કુમાર વાલજી ચૌધરી, પરીક્ષાર્થી મનીષા ઉર્ફ માયા ચૌધરી, જગદીશ શિવરામ ચૌધરી, ચૌધરી મૌલિક ઉર્ફ હાર્દિક હીરાભાઈ, રવિ કનુભાઈ મકવાણાને ઊંઝા કોર્ટે 4 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
આ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામને ઊંઝા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા. તમામ આરોપીઓએ ઊંઝા કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી પુરી થતા સોમવાર ઉપર જામીન અરજીનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે તેવું સરકારી વકીલે જણાવ્યું હતું.