પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
ગુજરાત માટે રાહતનાં સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23થી 24 જૂને સત્તાવાર રીતે રાજ્યમાં વરસાદનું આગમન થઇ જશે
ગરવીતાકાત, અમદાવાદ: ગુજરાત માટે રાહતનાં સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23થી 24 જૂને સત્તાવાર રીતે રાજ્યમાં વરસાદનું આગમન થઇ જશે. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાની અસરને પગલે પહેલા દહેશત હતી કે વરસાદ થોડો પાછળ જઇ શકે છે.
ગઇકાલે 47 તાલુકાઓમાં સામાન્ય વરસાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 20 જુન 2019 ના રોજ સવારે છ કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. તે ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં 20 મી.મી., બનાસકાંઠા જિલ્લના દાંતા તાલુકામાં 16 મી.મી., લાખણી તાલુકામાં 13 મી.મી., મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 20 મી.મી., સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં 27 મી.મી., પોશીના તાલુકામાં 23 મી.મી., વડાલી તાલુકામાં 15 અને વિજયનગર તાલુકામાં 17 મી.મી. વરસાદ વરસ્યો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો છે.
વાયુ વાવાઝોડું જ્યારથી સક્રિય બન્યું હતું ત્યારથી જ હવામાન વિભાગ સાથે સૌને ચિંતા હતી કે આ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ પાછો જઇ શકે છે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે જેને કારણે વરસાદની સિસ્ટમ ખોરવાઇ નથી. જેને કારણે રાજ્યમાં વરસાદ યોગ્ય સમયે જ એટલે 23થી 24 જૂનનાં જ બેસી જવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. 24 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે હળવો વરસાદ થઇ શકે છે. નોંધનીય છે કે કેરળમાં 8 જૂનનાં રોજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા પછી તેની ગતિ ધીમી પડી ગઇ હતી પણ હવે આ ચોમાસું આગળ વધ્યું છે અને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. બીજી તરફ, કોલકાતામાં પણ ચોમાસું બેસી ગયું છે અને વરસાદની શરૂઆત થઇ છે.