કેમિકલયુક્ત ગંદુ પાણી છોડતાં 3 એકમો પાસેથી 21.97 લાખના દંડની વસૂલાત

શેર કરવા અહીં ક્લિક કરો.

— સાડા ત્રણ માસ અગાઉ ત્રણેય એકમોેને ક્લોઝર નોટીસ આપી હતી :

— ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રૃપિયા 3.50 લાખની બેન્ક ગેરંટી પણ વસૂલી :

ગરવી તાકાત મહેસાણા :   કેમિકલયુક્ત ગંદુ પાણી છોડીને વાતાવરણને પ્રદૂષિત કરતા ત્રણ એકમોએ  રૃપિયા ૨૧.૯૭ લાખ દંડની ભરપાઈ કરી દેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એકમ શરૃ કરવાની પરવાનગી આપી છે. જ્યારે દંડનીય કાર્યવાહી સાથે રૃપિયા ૩.૫૦ લાખની બેન્ક ગેરંટીની પણ જીપીસીબીએ ત્રણેય એકમો પાસેથી વસૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય એકમો દ્વારા કેમિકલયુક્ત ગંદા પાણીને ટ્રીટ કર્યા વગર નિયમ વિરૃદ્ધ જમીનમાં છોડાતુ હોવાની રજૂઆત બાદ જીપીસીબીએ ક્લોઝર નોટીસ આપીને કાર્યવાહી શરૃ કરી હતી.

વિજાપુરના રણાસણની જીઆઈડીસીમાં આવેલી ગુજરાત કેમિકલ, વસાઈની મહાલક્ષ્મી એગ્રો અને મહેસાણાના આંબલિયાસણની વરદાયિની ગ્લુકોઝ કંપનીના એકમો દ્વારા કેમિકલયુક્ત ગંદા પાણીને ટ્રીટ કર્યા વગર નિયમ વિરૃદ્ધ જમીનમાં છોડાતુ હોવાની રજૂઆત મળતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ત્રણેય એકમોને ક્લોઝર નોટીસ આપીને કાર્યવાહી શરૃ કરી હતી.

ગાંધીનગર વડી કચેરી દ્વારા પાઠવેલી નોટીસ બાદ વીજ જોડાણ દૂર કરીને પેનલ્ટી તેમજ બેન્ક ગેરંટી જમા કરવાનો આદેશ કરાયો હતો. જેના પગલે ગુજરાત કેમિકલે એક માસ અગાઉ રૃપિયા ૬.૫૦ લાખનો દંડ અને રૃપિયા ૭૫ હજારની બેન્ક ગેરંટી ભરી દેતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ટ્રાયલ રન ઉપર કંપની ચાલુ કરવા પરવાનગી આપી હતી. જ્યારે આંબલિયાસણની વરદાયિની ગ્લુકોઝ અને વસાઈની મહાલક્ષ્મી એગ્રોના વીજ જોડાણ કાપી નાખીને બંધ કરાઈ હતી.

તાજેતરમાં આંબલિયાસણની વરદાયિની ગ્લુકોઝે રૃપિયા ૧૧,૧૨,૫૦૦ નો દંડ અને રૃપિયા ૧.૫૦ લાખની બેન્ક ગેરંટી તેમજ વસાઈની મહાલક્ષ્મી એગ્રોએ રૃપિયા ૫.૨૫ લાખનો દંડ અને રૃપિયા ૧.૨૫ લાખની બેન્ક ગેરંટી ભરપાઈ કરી દીધી હતી. તેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ત્રણેય એકમો શરૃ કરવા પરવાનગી આપી છે.

ઉલ્લેખનીય છે કે, વરદાયિની ગ્લુકોઝમાં વે પાવડર અને પ્રોટીન પાવડર, મહાલક્ષ્મી એગ્રોમાં બટાટા ફ્લેક્સ અને સ્ટાર્ચ પાવડર તેમજ ગુજરાત કેમિકલમાં ઈમરજી ફાયર અને ડી ઈમરજી ફાયરનુ ઉત્પાદન થાય છે. મહાલક્ષ્મી એગ્રો અને ગુજરાત કેમિકલ દ્વારા ટ્રીટ કર્યા વિના કેમિકલયુક્ત ગંદુ પાણી જમીનમાં છોડવામાં આવતુ હતુ. જ્યારે વરદાયિની ગ્લુકોઝ પાણી ટ્રીટ કરતુ હતુ, પરંતુ ડિસ્ચાર્જના નિયમોનો ભંગ કરતા કાર્યવાહી કરાઈ હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.