શહેરમાં નાણાં ધીરધારનાં લાઈસન્સ વગર ઊંચા દરે વ્યાજનો ધંધો કરનાર વ્યાજખોરોના કારણે સંખ્યાબધ લોકોને પોતાનો જીવ ગુમાવવનો વારો આવ્યો છે અથવા તો કેટલાક લોકો પોતાનો પરિવાર છોડીને નાસી જાય છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી બચવા માટે પોલીસના શરણમાં આવે છે પરંતુ જ્યારે કોઇ પોલીસનો કર્મચારી વ્યાજ પર રૂપિયા ફેરવતો હોય તો ભોગ બનનારને ન્યાય માટે કોના દ્વાર ખખડાવવાં ?

અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વ્યાજનો ધંધો કરતો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ સિંગરવાના એક રહીશે કરતાં ચકચાર મચી ગઇ છે. ઉચ્ચ અધિકારીના આદેશ બાદ અમરાઇવાડી પોલીસે આ મામલે વ્યાજખોર પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં તપાસ શરૂ કરી છે.

શહેરના છેવાડે આવેલા સિંગરવા વિસ્તારમાં યોગેશ્વરનગરમાં રહેતા અને નોકરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા દીપકભાઇ રમેશભાઇ સુથારે અમરાઇવાડી પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશનર કચેરી, માનવ અધિકાર પંચ અને રાજ્યના પોલીસવડાને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં વ્યાજનો ધંધો કરતા હોવાની આક્ષેપ કરતી ફરિયાદ કરી છે.

ફરિયાદમાં આક્ષેપ કર્યાે છે કે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નવીન આલાભાઇ ચાવડા (રહે આનંદ એપાર્ટમેન્ટ, બાપુનગર) તેમના મિત્ર ભરતસિંહ બિહોલા સાથે મળીને ઊંચા દરે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજની રકમ બમણી કર્યા બાદ પોલીસની બીક બતાવીને રૂપિયાની વસૂલાત કરે છે.

દીપકભાઇ અને તેના ભાઇને પોતાનો ધંધો કરવાનો હોવાથી તેમણે ભરતસિંહ પાસે નવ લાખ રૂપિયા બે ટકાના વ્યાજ પર અંદાજે દોઢેક વર્ષ પહેલાં લીધા હતા. ભરતસિંહે દીપકભાઇને નવ લાખ રૂપિયા અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નવીન ચાવડા પાસેથી લઇને આપ્યા હતા. થોડાક સમય સુધી દિપકભાઇએ બે ટકા વ્યાજ સમયસર ભર્યુ હતું જોકે ત્યારબાદ નવીન ચાવડાએ વ્યાજનો દર વધારીને સીધો દસ ટકા કરી દીધો હતો. પોલીસ હોવાની ધોંસ બતાવીને નવીને દીપકભાઇને ધમકાવ્યા હતા અને મારા પીએફ ફંડના રૂપિયા ઉપાડીને વ્યાજ પર આપ્યા હોવાનું કહ્યું હતું.

દીપકભાઇ નવીનની ધમકીથી કંટાળીને દસ ટકા વ્યાજે રૂપિયા આપવાનું શરૂ કર્યુ હતું. થોડાક સમય પહેલાં દીપકભાઇએ નવ લાખની રકમ તેમજ ચાર લાખ કરતાં વધુ વ્યાજ ચૂકવી દીધું હતું તેમ છતાંય નવીનની વ્યાજની પઠાણી ઉધરાણી ચાલતી હતી. નવીન અને ભરતસિંહ દીપકભાઇને મળ્યા હતા.

જેમાં બન્ને જણાએ વ્યાજના રૂપિયાની માગણી કરી હતી અને નવીને પોતાના પીએફખાતામાંથી રૂપિયા ઉપાડીને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. નવીન અને ભરતસિંહની વાતચીતનું રેકોર્ડિંગ દીપકભાઇએ કરી લીધુ હતું. પઠાણી ઉધરાણીથી કંટાળીને દીપકભાઇએ ભરતસિંહને વકીલ મારફતે નોટિસ આપી હતી. ભરતસિંહને નોટિસ મળતાંની સાથે જ પોલીસ કર્મચારી નવીને દીપકભાઇને નોટિસ મોકલાવી હતી.

નવીનની ઉધરાણીથી કંટાળીને દીપકભાઇએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમને અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ કમિશનર,માનવઅધિકાર પંચ, અને રાજ્યના પોલીસવડાને લેખિતમાં વાતચીતનાં રેકોર્ડિંગના પુરાવા સાથે ફરિયાદ કરી છે.

અમરાઇવાડી પોલીસે દીપકભાઇની ફરિયાદના આધારે તેમનું નિવેદન લીધું છે. સમગ્ર ઘટના ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં બની છે પરંતુ અમરાઇવાડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હોવાથી આ ફરિયાદ દીપકભાઇએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં કરી છે. આ મામલે ઝોન પાંચના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે કે નવીન વિરુદ્ધમાં આવેલી ફરિયાદની તપાસ કરવા માટે પીએસઆઇને આદેશ કર્યા છે. જો તપાસમાં તથ્ય જણાશે તો તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Contribute Your Support by Sharing this News: