મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્ર અને પુરવઠા શાખામાં મોટી સંખ્યામાં અરજદારો આવતાં હોઈ સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જાય છે.

સ્થિતિ અંગે જિલ્લા પ્રભારી સચિવ સાથે ચર્ચા-સમીક્ષાના અંતે કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવાના ભાગરૂપે આવકના દાખલા અને રાશનકાર્ડના સુધારા જેવી કામગીરી ગ્રામ્ય કક્ષાએથી વીસીઈ મારફત કરવાના આદેશ નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડે કર્યા છે.

જે મુજબ ગ્રામ્ય સ્તરે આવકના દાખલાની કામગીરી તેમજ પુરવઠા શાખાની રાશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા અને સુધારો કરવાની માટે સંબંધિત ગ્રામ પંચાયતના વીસીઈ મારફતે જરૂરી આધાર-પુરાવાની ચકાસણી કરી, ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરી, આધાર-પુરાવા સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. જે અરજીની તાલુકા કક્ષાએ સક્ષમ અધિકારી દ્વારા મંજૂર-નામંજૂર કરવામાં આવશે. અરજદારને અરજી મંજૂર-નામંજૂર થયા અંગેના નિર્ણય પત્ર-હુકમની બજવણી વીસીઈ મારફત કરાવવાની રહેશે.

આ કામગીરીમાં વીસીઈ દ્વારા વસૂલ કરવામાં આવનાર રૂ.૨૦ પૈકી રૂ.૧૦ વીસીઈ રાખશે તેમજ રૂ.૧૦ સરકારમાં જમા કરવાના રહેશે. સંબંધિત પ્રાંત અધિકારીઓએ ડીએલઈ, ટીએલઈ અને વીસીઈને જરૂરી સઘન તાલીમ આપી અરજદારોને કોઈ અડચણનો સામનો ના કરવો પડે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

Contribute Your Support by Sharing this News: