— લોકોની જાણ બહાર ખોટા જોબકાર્ડ અને ખોટા બેન્ક ખાતા ખોલી એટીએમથી નાણાં ઉપડી ગયાની રાવ:
— ગ્રામ પંચાયત સામે જ ગ્રામજનોએ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યુ ??
ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ તાલુકાના રામપુરા (વડલા) ગ્રૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગામોમાં મનરેગા યોજના હેઠળ ગ્રામજનોની જાણ બહાર ખોટા જોબકાર્ડ અને ખોટા બેન્ક ખાતા મારફતે બારોબાર નાણાં ઉપડી ગયા હોવાની રાવ સાથે આજે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગ્રામ પંચાયત કચેરી આગળ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
રામપુરા (વડલા) ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંકા, કંસારા, રામપુરા અને વગદડી ગામો આવેલા છે. આદિવાસી વિસ્તાર ધરાવતા આ ગામોના લોકો રોજગારી માટે ટળવળતા હોય છે ત્યા બીજી તરફ ગ્રામ પંચાયતમાં મનરેગામાં ભ્રષ્ટાચાર કરી લોકોને રોજગારી આપવાને બદલે તેમની જાણ બહાર ખોટા જોબકાર્ડ બનાવી અને બારોબાર બેન્ક ખાતા ખોલાવી એ.ટી.એમ થી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાની રાવ સાથે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ પંચાયત કચેરી ખાતે એકત્ર થયા હતા
અને ગ્રામ પંચાયત કચેરી આગળ ધરણા પર બેસી ગયાં હતાં અને આ બાબતે તલાટી કમ મંત્રી ને લેખિત રજુઆત કરી તેમના નામે બનાવવામાં આવેલા જોબકાર્ડ બે દિવસમાં તેઓને સુપ્રત કરવામાં નહી આવે
તો જિલ્લા વિકાસ અધિકારી કચેરી ખાતે ધરણા કરવામાં આવશે અને તેમ છતાં પણ તેમની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભા સુધી જવાની ચિમકી આપવામાં આવી છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે જે લોકો મનરેગામાં મજૂરી કામ ગયા જ નથી તેવા લોકોના ખોટા જોબ કાર્ડ બની ગયાં છે. કેટલાંક લોકો પોલીસમાં નોકરી કરતા હોવા છતા પણ તેમના જોબકાર્ડ બનાવી પેમેન્ટ ઉપાડવામાં આવ્યા છે. આ બાબતે તપાસ કરી કૌભાંડ આચરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી લોકોને રોજગારી મળે તે માટે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
— તલાટી કમ મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું:
આ બાબતે તલાટી કમ મંત્રી વી.ડી.ચૌધરીને પુછતા આ બાબતે તેમણે કઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને તપાસ ટીડીઓ કરશે તેમ જણાવ્યું હતુ
— એક જ વ્યક્તિના બે જોબકાર્ડ બનાવી દીધાના આક્ષેપ:
ઉપરોક્ત ગ્રામ પંચાયત વિસ્તારમાં આદિવાસી વિસ્તાર હોવાથી લોકોની જાણ બહાર ખોટા જોબ કાર્ડ બન્યા છે તેમાં એક જ વ્યક્તિના બે બે જોબ કાર્ડ અને કેટલાક લોકો સરકારી નોકરી કરતા હોવા છતા તેમના જોબકાર્ડ બનાવી ચાલુ નોકરી દરમિયાન પણ તેમના નામે નાણાં ઉપાડી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે,,
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર