રાજકોટ:લોધીકાનાં અનીડાવાછડા ગામે દલિત યુવાનની તેના હિસ્ટ્રીશીટર મિત્રએ જ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ નાસી છૂટેલ હિસ્ટ્રીશીટરની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના અનીડાવાછડા ગામે મુળજીભાઈની વાડીમાં ગોપાલ કરશનભાઈ વાઘેલા (ઉંમર 35)ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોંડલના ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે આરોપી ઉશાક ઉર્ફ ઘોઘાની શોધખોળ શરૂ કરી: પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ગોપાલ વાઘેલાને તેના હિસ્ટ્રીશીટર મિત્ર ઈશાક ઘોઘો બચુભાઈ સંધીએ કુહાડીના સંખ્યાબંધ ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું. હત્યાનો ભોગ બનનાર ગોપાલ અને તેનો મિત્ર ઈશાક ઉર્ફે ઘોઘો ગઈકાલે રાત્રે વાડીમાં દારૂ પીવા માટે ભેગા થયા બાદ બન્ને વચ્ચે કોઈ બાબતે ચડભડ થતા ઉશ્કેરાયેલા ઈશાકે તેના મિત્ર ગોપાલ પર કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટના જ્યાં બની છે તે મુળજીભાઈની વાડી આરોપી ઈશાક ઉર્ફે ઘોઘો વાવે છે. આરોપી ઈશાક અગાઉ કોટડાસાંગાણીના મર્ડર તથા હથિયાર સહિતના ગુનામાં પકડાઈ ચૂકયો છે. હત્યા કર્યા બાદ નાસી છૂટેલ ઈશાકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનનાર ગોપાલ કડીયાકામ કરે છે અને પરણીત છે. હાલ લોધીકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.