ટાઉનહોલમાં 544 સીટો, પ્રોજેક્ટર સ્ક્રીન, લાઇટ સિસ્ટમ, સેન્ટ્રલી એ.સી., અદ્યતન સાઉન્ડ સિસ્ટમ

રાજકોટ/ગોંડલ: વિજય રૂપાણી આજે રાજકોટ અને ગોંડલની મુલાકાતે છે. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે ગોંડલમાં નગરપાલિકા દ્વારા તૈયાર થયેલા 529.30 લાખના ખર્ચે તૈયાર થયેલા ટાઉન હોલ, લાઇબ્રેરી અને સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીની મન કી બાતનું ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે પોરબંદરના સાસંદ રમેશ ધડુક, જયેશ રાદડિયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા હાજર રહ્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌની યોજનાનું ત્રીજા તબક્કાનું કામ શરૂ કરી દીધું છે. આગામી દોઢ વર્ષમાં 115 ડેમો નર્મદાના નીરથી ભરાય જશે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમમાં આપણે લીંક કરી પાણી નાખવાનું શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.

હજી બે વર્ષ સુધી જળસંગ્રહ અભિયાન ચાલશે: રાજ્યની નગરપાલિકાઓની ટીમને જન ભાગીદારીથી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામોના આયોજનની પ્રેરણા આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ હેતુસર નગર પાલિકાઓને મદદ સહયોગ કરશે. મુખ્યમંત્રી સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ અને મળી રહેલા ફળદાયી પરિણામોની સ્પષ્ટ રૂપરેખા આપી હતી. ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવાનુ અને વરસાદના એક એક ટીપાની બચત કરી જળ સંગ્રહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશમાં જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાતના આગેવાની લઇ રહ્યું છે અને હજુ બે વર્ષ સુધી જળ સંગ્રહ અભિયાન જનભાગીદારી સાથે ચલાવાશે.

આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય અપાશે: સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના નીરથી છલકાશે અને છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીને સંગ્રહ કરવાના ચાલતા અભિયાનમાં લોક પ્રતિસાદ મળતો રહ્યો છે. આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપીને વિકાસના કામોને આગળ ધપાવવામા આવશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8 સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામા આવશે. મહાનગરોમાં ગટરનું પાણીનુ રીસાયક્લીંગ કરીને ઔદ્યોગિક હેતુ અને સિંચાઇમા તેનો વપરાશ થાય તે માટે પ્લાન્ટ બનાવવામા આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. મહાનગરોનું 70 ટકા વેસ્ટ પાણીનો શુદ્ધિકરણ કરી તેનો પુનઃ ઉપયોગ થાય તે દિશામાં હાથ ધરાશે.
રૂપાણીએ ગુજરાતની 162 નગરપાલિકાઓમાં સાંસ્કૃતિ ધરોહર સાથે જન સેવાના તમામ કામો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાણાના અભાવે એક પણ કામ નહીં અટકે તેમ કહીને મુખ્યમંત્રીએ જન આરોગ્ય, કુપોષણ મુક્તિ, શિક્ષણ, તંદુરસ્ત સમાજ નિર્માણ સાથે સામાજીક સમરસતા થકી વિકાસની વાત કરી હતી

બપોર બાદ રાજકોટના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે

ગોંડલ નગરપાલિકા દ્વારા રૂ.529.30 લાખના ખર્ચે નવનિર્મિત ટાઉનહોલમાં 544 સીટો, પ્રોજેક્ટર સ્ક્રીન, લાઇટ સિસ્ટમ, સેન્ટ્રલી એ.સી., અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનું લોકાર્પણ કરાતા શહેરીજનોની સુવિધા વધશે. બપોર બાદ રાજકોટમાં હોસ્પિટલ અને સિટી બસ સ્ટેશનની કામગીરીના રિવ્યૂ બાદ સાંજે 6 વાગ્યે કોઠારિયા રોડ પર તરણ સ્પર્ધાના કલોઝિંગ સેરેમનીમાં હાજરી આપશે અને ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં બ્રહ્મસમાજ આયોજિત દીક્ષા મહોત્સવમાં હાજરી આપશે. ત્યારબાદ 7.30 વાગ્યે અમૃતસાગર પાર્ટી પ્લોટના કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર જવા રવાના થશે.