ગુજરાતમાં મેઘરાજાનાં વિરામ બાદ રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો અહી રોગચાળાએ આતંક મચાવી દીધો છે.

ગરવીતાકાત,રાજકોટ: વરસાદનાં વિરામ બાદ ગંદકીનો માહોલ વધી જતા ઘરે ઘરે માંદગીનાં ખાટલા ખટકાયા છે. અહી રોગચાળો કેટલો વકર્યો છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે સરકારી જ નહી પણ ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ભરાઇ ગઇ છે. જે મુદ્દે હવે કોંગ્રેસ હરકતમાં આવતા આરોગ્ય વિભાગ પર આરોપ લગાવ્યો છે.

વરસાદની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકો હવે તેના વિરામ બાદ માંદગીની ઝાળમાં ફસાયા છે. રાજકોટમાં દિવસો જતા માંદગીનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તંત્ર પણ દોડતુ થયુ છે. બીજી તરફ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ભરતી કરવા માટે જગ્યા પણ રહી નથી. સમગ્ર મામલે કોંગ્રેસ અને અન્ય વિપક્ષનાં નેતાઓ આરોગ્ય વિભાગ પર આરોપ લગાવતા કહ્યુ કે, તમામ લોકો માત્ર સીએમ સાહેબનાં કાર્યક્રમમાં રોકાયેલા છે, જેનાથી સાબિત થાય છે કે રાજકોટ મહાનગર પાલિકાનું તંત્ર એકદમ ખાડે ગયુ છે.

ઉલ્લેખનીય છે કે, સારા વરસાદ બાદ તંત્રની જવાબદારી બને છે કે શહેરને ગંદકી મુક્ત કરી સ્વચ્છ રાખે પરંતુ તંત્ર દ્વારા હાલમાં આંખ આડા કાન રાખવામા આવી રહ્યા હોય તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.