ગરવીતાકાત,રાજકોટ: શહેરના ભગવતીપરામાં પાંચ વર્ષના બાળકનું ભેદી મોત નિપજ્યું છે. શેરીમાં રમી રહેલા બાળકને માથા અને પેટમાં ઇજા થઇ હતી. સ્થાનિકો મુજબ ઘોડાએ પાટુ મારી બાળકને ઉલાળી દીધો હતો. બીજીતરફ એક કાળા રંગની કારનો ચાલક ઠોકર મારી નાસી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ભગવતીપરાના જયપ્રકાશનગર-3માં રહેતાં મુળ યુપીનાં રણજીત દુર્વિજયસિંગ કઠેરીયા અને સાધનાબેનનો પાંચ વર્ષનો પુત્ર રાજન તેના બાલમંદિરમાં બકરી ઇદની રજા હોવાથી ઘરે હતો. સવારે તે શેરીમાં રમવા ગયા બાદ તેને ગંભીર ઇજા થયાની જાણ થતાં માતા સાધનાબેન બહાર દોડી ગયા હતા. જ્યાં રાજન લોહીલુહાણ હાલતમાં હોઈ તેને સારવાર માટે પડ્યો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાંના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હાલ સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. આ બાળકને થયેલી ગંભીર ઇજા અંગે અલગ-અલગ વાત સામે આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. જેથી આસપાસના સીસીટીવી મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ બાળકના મોતનું સાચું કારણ જાણી શકાશે.