હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે પણ વરસાદની શક્યતા છે
કમોસમી વરસાદ અને માવઠાના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો, ખેડૂતોને નુકશાનની ભિતી
ગરવી તાકાત, મહેસાણા તા. 26 – ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘરાજા શિયાળાના પ્રારંભે તૂટી પડ્યાં હતા તો રાધનપુર પંથક સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યોં હતો. આ વરસાદને પગલે હાલમાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે આ વરસાદને કારણે લગ્ન મંડપ તેમજ પાર્ટી પ્લોટોમાં પણ વરસાદને કારણે હાલાકી પડી હતી. લગ્નસરાની મોસમના રંગમાં મેઘરાજાએ ભંગ પાડ્યો હતો. હાલ મોટા પ્રમાણમાં લગ્નના મૂહુર્ત હોવાના કારણે લગ્નની મોસમ જામી છે જેમાં વરસાદ વિઘ્ન બન્યોં હતો. કેટલાક લગ્નો દરમિયાન નીકળેલા વરઘોડાને છતના નાળાના સહારા લઇ વરસાદનું વિઘ્ન ટાળવાની કોશિશ કરવામાં આવી હતી.
ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે કચ્છ, તમામ જગ્યાએ વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં રાજકોટ અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય એવું વાદળછાયું વાતાવરણ આખા રાજ્યમાં જોવા મળી રહ્યું છે. આ માવઠું ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે. ખેડૂતોએ પાકનું વાવેતર કરી દીધું છે ત્યારે આ માવઠું મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે આ વરસાદ પાક માટે અભિશાપ બનવાની પુરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે પણ વરસાદની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ગર્જના કરી તૂટી પડવાની તૈયારીઓ કરતાં હોય તેવો માહોલ સર્જાયો છે.
ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતે સૌરાષ્ટ્રને પણ ધમરોળ્યું છે. રાજકોટ અને અમરેલીના અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, હાલ જગતનો તાત છે ચિંતામાં છે. શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ છે. કેમ કે ભર શિયાળે વરસાદ શરૂ થયો છે. અમદવાદના મોટા ભાગના વિસ્તારમાં કમનસીબીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ એ લોકો પર કહેર બનીને વરસ્યો છે, જેમના ઘરે પ્રસંગો લેવાયા હતા.