ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી રહેલ વાયુ વાવાઝોડાએ બુધવારે પરોઢથી દિશા બદલતા તે પોરબંદર તરફ ફંટાયુ હતું.ગુરૂવારે બપોરે વાયુ વાવાઝોડું વેરાવળથી 150 કિમી દૂર પોરબંદર અને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે.

ભારતના હવામાન ખાતાની ટ્વીટ પ્રમાણે અરેબીયન સમુદ્રમાં વાયુ ઉત્તર-ઉત્તર પશ્ચિમે પહોંચ્યું છે એ પછી સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી થોડે દુરથી તે નોર્થ વેસ્ટ તરફ આગળ વધશે.આની સાથે પવન 135થી લઇને 145 કિલોમીટરની ઝડપે ફુકાશે.

વાયુ વાવાઝોડુ જેમ જેમ રાજ્યના દરિયા કિનારાની નજીક આવી રહ્યું છે તેમ તેમ વરસાદી માહોલ જામ્યો છે.વાયુના કારણે દરિયામાં કરંટ પણ વધ્યો છે જેના કારણે ચારથી લઇને પાંચ ફુટના મોજા ઉછળી રહ્યાં છે. રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, જુનાગઢ,અમરેલી,ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાત,જ્યાં વાયુની સીધી અસર નહીંવત છે,ત્યાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડ્યો.એક ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા.

વેરાવળના દરિયા કિનારે ભરતી સાથે મોજા ઉછળતાં કાંઠે લાંગરેલી બોટો સમુદ્રમાં તણાઇ હતી.માછીયારાવળામાં દરિયો તોફાની બનતા બે હોડીઓ તુટી પડી હતી.દરિયો તોફાની બનતા માછીમારો છેલ્લી ઘડીએ તેમની હોડીઓ બચાવવા દોડતા નજરે પડ્યા હતા.એક માછીમારે હોડી બચાવવાની લાહ્યમાં પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું પણ જાણવા મળેલ છે.માછીમારોને દરિયામાં નહીં જવાની વારંવાર ચેતવણીઓ છતાં માછીમારો તેમની બોટ બચાવવા દોડ્યા હતા.

વેરાવળ બંદર પર દરિયો તોફાની બનતાં ત્રણ ફિશિંગ બોટ કાંઠા પર ફંગોળાઈ ગઈ હતી. તો મહુવામાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો દ્રારકાનો દરિયો પણ ગાંડોતૂર બનતાં દરિયાના પાણી જેટી પર ફરી વળ્યા છે.

દીવમાં પણ દરિયાના પાણીમાં કરંટ જોવા મળી રહ્યો છે. દીવ ચોપાટી પર દરિયો ગાંડોતૂર બન્યો છે. દીવના દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. તો ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તકેદારીના ભાગરૂપે NDRFની ટીમ તહેનાત કરાઈ છે. હાલ દીવમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વાયુ વાવાઝોડાની અસર જૂનાગઢના દરિયામાં પણ જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. હોલિ-ડે કેમ્પ પાસે દુધેશ્વર મંદિરમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. કાંઠાના મકાનો ઉપરથી મોજા ઉછળી રહ્યા છે. દરિયાકિનારાની નજીકના ગામડાંઓને ખાલી કરાવાયા છે. તો અહીં પણ NDRFની ટીમ તહેનાત કરાઈ છે.