મહેસાણા : મહેસાણા મહાનગરપાલિકાએ દેદિયાસણ GIDCમાં આવેલી ભગવતી પ્લાસ્ટિક ફેક્ટરી પર દરોડો પાડ્યો આ કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાંથી 500 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો મનપાએ ફેક્ટરી પાસેથી રૂ.1 લાખનો દંડ વસૂલ કર્યો. મનપાની ટીમે શહેરના નાના-મોટા વેપારીઓ અને ખાણીપીણીના સ્ટોલ્સ પર પણ તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

આ દરમિયાન 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું. વેપારીઓ પાસેથી રૂ. 10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અગાઉ મનપાએ માત્ર નાના વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. જ્યારે ઉત્પાદકોને છૂટો દોર મળ્યો હતો.

આ અંગેના સમાચાર પ્રકાશિત થયા બાદ મનપાએ ઉત્પાદકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. મનપાની આ સઘન કાર્યવાહીથી પ્લાસ્ટિક ઉત્પાદકો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. લોકોને આશા છે કે મહેસાણા શહેર પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત બનશે. જોકે, આ ઝુંબેશ કેટલી સફળ થશે તે સમય જ કહેશે.


