મહેસાણા શહેરમાં આવેલ રાધનપુર ચોકડી પાસે એક દલીત યુવકની હત્યા થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આરોપીએ યુવકને રીક્ષામાં બેસાડી છરીના ઘા મારી લાશને રાધનપુર ચોકડી પાસે ફેંકી ફરાર થઈ ગયો હતો. કથીત સવર્ણ યુવક સાથે આ દલિત યુવકની મીત્રતા હતી જેથી આરોપીને આ સંબધ નાસંપદ હોવાથી હત્યા કરી હોવાનુ પોલીસ સુત્ર દ્વારા જાણવા મળેલ છે.
મહેસાણાના સોમનાથ રોડ પર આવેલ પંડીત દિન દયાળ ફ્લેટમાં રહેતા રોહન વાલ્મીકી નામના 18 વર્ષીય યુવકની મીત્રતા શ્રીપાલ સોસાયટીમાં રહેતા જયેશ નામના એક કથીત સવર્ણ યુવક સાથે હતી. જયેશના મોટાભાઈ ઝાલા પોપટસીંહ વજેસીંહને તેમનુ આ નજીકપણુ પસંદ નહોતુ. જેથી ગઈ કાલે તીરૂપતી રોયલ સોસાયટી પાસે પોપટસીંહે યુવકને રીક્ષામાં બેસાડી તેની સાથે વિવાદ કરી છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. આરોપીને કોઈ પ્રકારનો સાશન-પ્રશાસનનો ડર ના હોય એમ યુવકની લાશને જાહેરમાં શહેરના સૌથી વધુ વ્યસ્ત વિસ્તાર રાધનપુર ચોકડી પાસે આવેલ શક્તિધારા સોસાયટી પાસે ફેંકીને ભાગી ગયો હતો.
આમ આસપાસના લોકો અજાણ્યા યુવકની લાશને રસ્તા પર પડેલી જોઈ ભેગા થઈ ગયા હતા. યુવકની હત્યા થઈ ત્યારે રીક્ષામાં આરોપીના ભાઈ સીવાય અન્ય બે શખ્સો પણ સાથે હતા. જેમાં જયેશના જણાવ્યા અનુસાર યુવકની હત્યા થઈ જવાથી તે ડરી ગયો હોવાથી તે ઘરે જતો રહ્યો હતો. દરમ્યાન તેને ઘરમાં પુરી દેવામાં આવ્યો હતો.
પોલીસ સુત્ર દ્વારા જાણવા મળી રહ્યુ છે કે, યુવકની હત્યા તેના દલિત હોવાના કારણે થઈ હતી. કથીત સવર્ણ યુવક જયેશ સાથેની મીત્રતા તેના ભાઈને પસંદ નહોતી. જેથી યુવકની હત્યા કરી લાશને જાહેરમાં ફેકી ગુનો આચરનાર ઝાલા પોપટસીંહ વજેસીંહ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 302,114 તથા એસ.સી.એસ.ટી. એક્ટ 3(2)V મુજબ ગુનો નોઁધી પોલીસે આગળની કાર્યવાહી હાથ હતી.
દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારતીય સમાજને જાતી તથા વર્ગ વિહીન બનાવવાનુ સ્વપ્ન જોવામાં આવ્યુ હતુ. પરંતુ વર્ગ-જાતી વિહીન સમાજની કલ્પનાને સમુદાયના વ્યક્તિઓ જ સ્વીકારવા તૈયાર નથી એવુ અવાર નવાર બનતી ભેદભાવ તથા ગુનાઓની ઘટનાઓ ઉપરથી લાગી રહ્યુ છે. ભારતીય સમાજ બીજા દેશોના સમાજથી તેની જાતી વ્યસ્થાના કારણે અલગ પડે છે. જાતી પ્રથા માત્ર આપણી વચ્ચે વૈમનસ્ય જ પેદા નથી કરતી પરંતુ આપણી વચ્ચે મોટી ખીણ પણ પેદા કરવાનુ કામ કરી રહી છે. જાતી પ્રથા ભારતીય દિમાગમાં બચપનથી જ ઉંચ- નીચના બીજ રોપી દેવાનુ કામ કરે છે. જેના આધારે તેઓ આસપાસના લોકો સાથે વર્તન/વ્યવહાર કરતા હોય છે. કેટલાક કીસ્સાઓમાં તેમનુ આ વર્તન/વ્યવહાર ગુનો આચરવા પણ પ્રેરતુ હોય છે જેનુ આરોપીને ભાન પણ નથી હોતુ.