-> રેલી દરમિયાન સૂત્રોચ્ચાર દ્વારા જનજાગૃતિ સંદેશા તથા IEC સામગ્રીના વિતરણથી સામાન્ય જનસમુદાયમાં HIV/AIDS અંગે જાગૃતિ ફેલાવવામાં આવી :
ગરવી તાકાત મહેસાણા : વિશ્વ એઇડ્સ દિન-૨૦૨૫ નિમિત્તે મહેસાણા દિશા યુનિટ દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી જનરલ હોસ્પિટલ મહેસાણાથી પ્રસ્થાન થઈ રાજમહેલ રોડ–ફુવારા સર્કલ–રેલ્વે સ્ટેશન ફુવારા માર્ગે ફરીથી જનરલ હોસ્પિટલ સુધી યોજાઈ હતી. આ જનજાગૃતિ રેલીને આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત મહેસાણાના ચેરમેનશ્રી મિહિલ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ભરત સોલંકી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડો. ગોપી પટેલ, જિલ્લા ટીબી-એચઆઈવી અધિકારીશ્રી ડૉ. અંજુ પરમાર, પ્રતિનિધિશ્રી મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, નોડલ ઓફિસર – એઆરટી સેન્ટર મહેસાણા તેમજ અન્ય આરોગ્ય અધિકારીશ્રીઓ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રેલીમાં નર્સિંગ સ્કૂલ, જનરલ હોસ્પિટલ મહેસાણા તથા સાર્વજનિક BSW/MSW કોલેજ-મહેસાણા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત દિશા યુનિટ મહેસાણા, HIV/AIDS સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા આરોગ્ય વિભાગના સ્ટાફ અંદાજિત ૩૦૦ જેટલા લોકો જોડાયા હતા. રેલી દરમિયાન સૂત્રોચ્ચાર દ્વારા જનજાગૃતિ સંદેશા તથા IEC સામગ્રીના વિતરણથી સામાન્ય જનસમુદાયમાં HIV/AIDS અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ યોજાયેલ વિશ્વ એઇડ્સ દિન-2025 ઉજવણી કાર્યક્રમમાં.

જીલ્લા કક્ષાએ કાર્યરત દિશા યુનિટ મહેસાણાને મોનિટરીંગ અને સુપરવિઝનની કામગીરી માટે, મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત આઈ.સી.ટી.સી.ને જનરલ સમુદાયમાં સૌથી વધારે એચ.આઈ.વી. તપાસની કામગીરી માટે, એ.આર.ટી. સેન્ટરને જતનની કામગીરી માટે તેમજ ચુવાળ ગ્રામ વિકાસ ટ્ર્સ્ટ બેચરાજીને ટી.આઈ. પ્રોજેક્ટ હેઠળ હાઈ રીસ્ક જૂથમાં એચ.આઈ.વી. પ્રિવેન્શનની સારી કામગીરી માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.


