— કલેકટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવી કરવામાં આવી રજૂઆત :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા સહિતની માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યાં હતાં અને કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ.
પાલનપુરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઇવેટ સ્કૂલોની ફી વધારો પાછો ખેંચવા તેમજ અન્ય માગણીઓને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં શિક્ષણનો બેફામ વ્યાપાર થઇ રહ્યો છે ખાનગી શાળાઓની મનમાની સામે ગુજરાતના વાલીઓ લૂંટાઈ રહ્યા છે. કોરોના બાદ લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે.
બીજી તરફ મોંઘવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મૂશ્કેલ બન્યા છે. પૈસાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતના વાલીઓને રાહત મળે તે માટે પ્રાઈવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે તેમજ ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે અને ડોનેશન માગનાર પર કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક, બૂટ મોજાં વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી ખરીદવા બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે અને પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર