વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા બોર્ડર પર ટ્રક ચાલકો પાસેથી ફોલ્ડર દ્વારા પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ અંગે ગરવી તાકાત દૈનિક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલને પગલે પાંથાવાડા પોલીસ દ્વારા આ વીડિયો સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમાં પાંથાવાડા પીઆઇએ જણાવ્યું હતું કે આ વીડિયોમાં પૈસા લઇ રહેલ વ્યક્તિ કોણ છે તેની તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, અંબાજી, ગુંદરી, ખોડા સહિતની ચેકપોસ્ટ

 પર તેમજ બોર્ડર પર ફોલ્ડરો ઊભા રાખીને અહીંથી પસાર થતાં ઓવરલોડ વાહનો પાસેથી નાણાં ઉઘરાવી સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે. આ બાબતે અગાઉ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ તપાસ હાથ ધરીને આવા ફોલ્ડરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમ છતાં હજુ સુધી પણ આવા ફોલ્ડરો બોર્ડર તેમજ ચેક પોસ્ટો પર નજરે જોવા મળતા હોય છે. તેમાં બનાસકાંઠા જિલ્લાની પાંથાવાડા બોર્ડર પર બે દિવસ અગાઉ પસાર થઇ રહેલી ટ્રક ચાલકો પાસેથી પૈસા લઈ રહેલા એક ફોલ્ડર નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. આ વીડિયોમાં પોલીસકર્મીઓની હાજરીમાં જ ફોલ્ડર ટ્રક ચાલકો પાસેથી પૈસા લઈ રહ્યો છે ત્યારે પોલીસની ભૂમિકા પણ અહીં શંકામાં હોય તેમ લાગી રહ્યું છે. આ સંદર્ભે ગરવી તાકાત દૈનિક દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા પાંથાવાડા પી.આઇ દ્વારા ખાત્રી આપવામાં આવી છે કે આ વીડિયો સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવશે અને પૈસા લેનાર ફોલ્ડર કોણ છે તેની તપાસ ધરી કાર્યવાહી કરવામાં આવશે. આમ બનાસકાંઠા જિલ્લાની પાંથાવાડા બોર્ડર પર ફોલ્ડર દ્વારા પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં અને આ બાબતે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં હવે પોલીસ દ્વારા આ વીડિયોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે. ત્યારે પોલીસકર્મીઓની હાજરીમાં આ ફોલ્ડર પૈસા લઈ રહ્યો હોય અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.

Contribute Your Support by Sharing this News: