— શહેરના માર્ગો પર આડેધડ ખડકાતાં વાહનોના લીધે ટ્રાફિકજામ :
— મોલ પાસે રિક્ષાઓ અડધા રસ્તા પર પેસેન્જર લેવા ઊભી રાખતાં અકસ્માતમાં વધારો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા પ્રજા માટે માથાના દુખાવા સમાન બની છે. ખાસ કરીને તોરણવાળી માતા ચોકમાં એક સાથે ચાર-પાંચ સિટી બસ ઊભી રહેતાં અને મોલ પાસે સ્ટેન્ડ પરના રિક્ષાવાળા રોડ પર મુસાફરો લેવા માટે ઊભા રહેતાં હોવાના લીધે ટ્રાફિક ચક્કાજામની સમસ્યા સર્જાય છે. આ અંગે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણોને ખદેડવાની કાર્યવાહી કરવા લોકમાગણી ઊઠી હતી.
શહેરના પીલાજી ગંજ વિસ્તારના જાહેર માર્ગ પર રેડીમેઈડ કપડાંની લારીઓ, પાથરણાવાળા અઠ્ઠે દ્વારકા કરીને અડ્ડો જમાવતાં હોય છે. નગરપાલિકાના દબાણ હટાવ શાખાના અધિકારીઓને ગેરકાયદે દબાણો ખસેડવાની ફુરસદ મળતી નથી. તેવી જ રીતે, આ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં પોલીસમેન ગોત્યાં જડતાં નથી. પરિણામે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.
કેટલીકવાર તો રાહદારી અને રિક્ષાચાલકો કે રોડ પર રેડીમેઈડ કપડાં વેચતાં ફેરિયાઓ વચ્ચે બોલાચાલી કે છુટા હાથની મારામારીના દ્રશ્યો પણ સર્જાતાં હોય છે. અહીંના તોરણવાળી માતા ચોકમાં સિટી બસ સ્ટેશન હોવાથી મુસાફરો બસની રાહ જોતાં ઊભા હોય છે. જેમાં કેટલીકવાર એકસાથે ચાર-પાંચ બસો કતારબંધ ઊભી રહેવાના લીધે પણ ટ્રાફિકનો પ્રશ્ન ખડો થાય છે. સિટી બસોના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી બનવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને દિવાળી જેવા તહેવારોમાં અહીંના બજારમાં ખરીદી કરવા લોકોનો ભારે ધસારો રહેતો હોય છે.
વાહનો પાર્ક કરવાની સમસ્યા સર્જાવાના લીધે લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરીને ચાલતી પકડતાં હોય છે. પરિણામે આમજનતાને હાલાકીમાં મુકાવાની નોબત આવે છે. શહેરના મુખ્ય બજારના ટ્રાફિક ચક્કાજામની સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકા દ્વારા અહીંના સિટી બસ સ્ટેન્ડને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઊઠી હતી. તેમજ ટ્રાફિક પોલીસે આડેધડ ઊભા રહેતાં ફેરિયા, લારીવાળા, પાથરણાવાળાઓ અને રિક્ષાચાલકો સહિતના વાહનસવારો સામે દંડનીય કાર્યવાહી કરવાની રાવ ઊઠવા પામી હતી.