રાજ્યોના જૂના કાયદાઓમાં લોકહિતમાં બદલાવ લાવવાનું આહ્વાન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

શેર કરવા અહીં ક્લિક કરો.

૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદને સંબોધન કરતાં પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય નાગરિકોના સરળ જીવનમાં અવરોધ ઉભા કરતા જૂના કાયદાઓનું નવીનીકરણ કરવા માટે પીઠાસીન અધિકારીઓને આહ્વાન કર્યું છે. સાથે, તેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે વન નેશન-વન ઇલેશન સમયની માંગ હોવાનું દોહરાવ્યું છે.

 પ્રધાનમંત્રીમોદીએ વિડીઓ કોન્ફરન્સિંગના માધ્યમથી સમાપન સમારોહને સંબોધન કરતાં ઉમેર્યું કે, સંવિધાન અને કાનૂની ભાષા સમજવી મુશ્કેલ છે, ત્યારે કાયદા અને સંવિધાનની ભાષા સામાન્યમાં સામાન્ય માનવી સમજી શકે એ માટેના સર્વગ્રાહી પ્રયાસો થાય તે જરૂરી છે. તમે જોયું હશે કે, કેન્દ્ર સરકાર દ્વારા જૂના જમાનાના અને વર્તમાન સમયમાં અપ્રસ્તુત હોય એવા અનેક કાયદાઓને નિરસ્ત કરવામાં આવ્યા છે.

             પ્રધાનમંત્રીશ્રીએ દેશના દરેક રાજ્યોમાં પણ જૂના કાયદાઓમાં બદલાવ લાવવાની હિમાયત કરતાં તેમાં વિધાનસભાના પીઠાસીન અધિકારીઓને પોતાની ભૂમિકા અદા કરવા માટે આહ્વાન કર્યું હતું.

                  તેમણે ઉમેર્યું કે, વન નેશન-વન ઇલેશન એ માત્ર ચર્ચાનો વિષય નથી. આજે દેશમાં દર માસે કોઇને કોઇ ચૂંટણીઓ થતી હોય છે. આવી ચૂંટણીને કારણે વિકાસની ગતિ અવરોધાય છે. ત્યારે પંચાયતથી માંડી લોકસભાની ચૂંટણી માટે એક જ મતદાર યાદી બને તે અંગે પીઠાસીન અધિકારીઓ માર્ગદર્શન આપી તે દિશામાં નેતૃત્વ કરે.

             ભારતનું સંવિધાન ૨૧મી સદીના બદલાતા પ્રવાહો અને પડકારોને પહોંચી વળવા માટે પણ માર્ગદર્શન કરે છે. એમ જણાવતાં પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભારતના બંધારણમાં કર્તવ્ય ઉપર વિશેષ બળ આપવામાં આવ્યું છે. આપણે સૌને બંધારણમાં કર્તવ્ય પાલન સાથે અધિકારો મળ્યા છે. જવાબદારી અદા કરવાનો એ લેખિત પ્રેરણાસ્ત્રોત છે.

             શ્રી મોદીએ જણાવ્યું કે, ૨૧મી સદીના ટેક્નોલોજીના યુગમાં ડિઝીટલાઇઝેશનનો સમય આવી ગયો છે. સંસદ અને વિધાનસભામાં પણ આ માટે પ્રયાસો થયા છે. લોકોને ઝડપી અને જરૂરી માહિતી મળે તે માટે રિયલટાઇમ ડેટા ઉપલબ્ધ થયા છે. આવું કાર્ય રાજ્યોની વિધાનસભામાં પણ કરવાની જરૂરિયાત છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન વિકસિત કરવામાં આવી છે. તેમાં સાંસદો અને વિધાયકો પોતાનો ડેટા અપલોડ કરીને પેપરલેસ કાર્યવાહી તરફ આગળ વધે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

              તેમણે ઉમેર્યું કે, બંધારણ પ્રત્યે લોકોની આસ્થા અને જાગૃતિ વધે તે માટે વ્યાપક પ્રયાસોની જરૂર છે. આ માટે નાગરિકોને આપણી સાથે જોડવા માટે નવી પરંપરાઓનો અમલ કરીને પીઠાસીન અધિકારીઓ તેમાં શું નવું કરી શકે છે, તે માટે પ્રયત્નશીલ થશે તો ચોક્કસ નવી દિશા ખુલશે.

                 તેમણે એક રચનાત્મક સૂચન કર્યું કે, વિધાનસભા અને લોકસભાની કાર્યવાહી નિહાળવા માટે પ્રેક્ષક દીર્ઘામાં સદનમાં જે વિષયની કાર્યવાહી ચાલતી હોય તેને સંલગ્ન નાગરિકો, નિષ્ણાંતોને નિમંત્રવા જોઇએ. સાથે સાથે, યુવાનોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ આવે તે આશયથી શાળા અને કોલેજોમાં મોક પાર્લામેન્ટનું આયોજન કરવા પણ તેમણે પ્રેરણાત્મક સૂચન કર્યું હતું. ભારતીય બંધારણથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો પરિચિત થાય તે માટે KYC (know your constitution) નિરંતર અભિયાન ચલાવવા પણ અનુરોધ કર્યો હતો.

                ૨૬/૧૧ના મુંબઇ આતંકી હુમલાનું સ્મરણ કરાવતાં શ્રી મોદીએ કહ્યું કે, પાકિસ્તાનથી મોકલવામાં આવેલા આતંકીઓને આપણા જવાનોએ નેસ્તનાબૂદ કર્યા હતા. તેમાં નાગરિકો પણ શહીદ થયા હતા. એ હુતાત્માઓને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે સરકાર હવે આતંકીઓ સામે નવી રીતી અને નવી નીતિ સાથે કામ કરી રહી છે અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, એ સક્ષમ સુરક્ષાબળના જવાનોને હું નમનને પાત્ર ગણું છું.

                  તેમણે જણાવ્યું કે, બંધારણમાં વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાને યોગ્ય કાર્ય સોપવામાં આવ્યા છે. આ ત્રણેય આધાર સ્તંભો વચ્ચે સુસંવાદિતાથી કામ થાય એ માટે પીઠાસીન અધિકારો મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.

                    દેશમાં કટોકટીને યાદ કરતાં શ્રી મોદીએ કહ્યું કે, કટોકટીકાળ દરમિયાન સેપરેશન ઓફ પાવરનો ભંગ કરવામાં આવ્યો, તેમાંથી આપણને સૌને મોટી શીખ મળે છે. તે સમયમાં વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાને મળેલી શીખ આજે પણ પ્રસ્તુત છે. કારણ કે, જનતાનો વિશ્વાસ બંધારણ અને ત્રણેય શાખાઓ ઉપર હતો. તે આસ્થા આજે વધુ પ્રબળ બનાવવાની જરૂર છે. વૈશ્વિક મહામારીમાં પણ ૧૩૦ કરોડથી વધુ દેશવાસીઓએ પોતાની પરિપક્વતાનો પરિચય આપ્યો છે. તેનું મુખ્ય કારણ આ ત્રણેય સ્તંભો પરનો વિશ્વાસ છે.

તેમણે ઉમેર્યું કે, કોવિડ મહામારીમાં પણ સંસદે રાષ્ટ્ર નિર્માણ માટેના તથા આત્મનિર્ભર ભારતના કાનૂનો સહિત મહત્વના બિલો પાસ કરી, ચર્ચા કરી વધુ કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. એટલું જ નહીં, સાંસદો અને વિધાયકોએ પોતાના વેતન પણ ના લઇને કોરાના સામેની લડાઇમાં સહયોગ આપ્યો છે.

                 તેમણે ઉમેર્યું કે, દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આઝાદ ભારતની વ્યવસ્થાઓને વધુ અનુકૂળ બનાવવા મોટા કદમ ઉઠાવી સંકલ્પિત ભાવથી કામ કરી રાષ્ટ્રહિતમાં  ત્રણેય આધાર સ્તંભોએ સમન્વય સાથે કામ કરવું પડશે.

                લોકહિત અને દેશહિતમાં રાજનીતિ હાવી થાય તો દેશને કેટલું નુકસાન થાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ સરદાર સરોવર પ્રોજેક્ટ છે, તેમ કહેતાં  મોદીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટનું કામ આઝાદી બાદ તુરંત શરૂ કરવામાં આવ્યું હતું. પણ તેને પૂરૂ કરવામાં અનેક અડચણો અને રૂકાવટો આવી, એટલું જ નહીં પણ તેને રોકવા માટે સંવિધાનનો પણ દુરૂપયોગ થયો. જેના કારણે વર્ષો સુધી આ પ્રોજેક્ટ લટકી રહ્યો હતો. તેથી પ્રોજેક્ટની કિંમત તો વધી સાથે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો તેમને મળવાના લાભથી વર્ષો સુધી વંચિત રહ્યા. જ્યારે, રાજસ્થાનમાં નર્મદાના નીર પહોંચ્યા તે બાદ ભૈરોસિંહ શેખાવત અને શ્રી જસવંતસિંહએ મને રૂબરૂ મળી પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન આપ્યા હતા.

                 આજે ગુજરાતમાં ૧૦ લાખ હેક્ટર અને રાજસ્થાનમાં ૨.૫૦ લાખ હેક્ટર જમીનમાં સિંચાઇની સુવિધા આ પ્રોજેક્ટને કારણે મળી રહી છે. સાથે સાથે, ગુજરાતના ૯ હજાર ગામડાઓ ઉપરાંત શહેરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને વીજળીનો લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને અટકાવવાનું કામ જેમણે કર્યું હતું તેમને આજે કોઇ જ પશ્ચાતાપ નથી. પરંતુ, અમારા માટે રાજનીતિ આભડછેટ નથી. દેશહિત અને લોકહિત જ સર્વોપરી છે.

                    લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા મજબૂત લોકતંત્રના આધારસ્તંભ છે. સંવિધાન એ આધુનિક ગીતા છે અને એ આપણને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યબોધ માટે પ્રેરિત કરે છે.

                 શ્રી બિરલાએ પીઠાસીન અધિકારીઓને સદનની ગરિમાને વધારવાના પ્રયાસો પર પણ ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે પક્ષા-પક્ષીથી પર રહીને દેશહિત અને જનહિતને સર્વોપરી માનવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, દેશના નાગરિકોએ પણ માત્ર અધિકારોનો વિચાર ન કરતાં રાષ્ટ્રનો વિચાર કરવો જોઈએ અને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી જોઈએ.

                લોકસભા અધ્યક્ષએ આ અવસરે  નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે નયા ભારતના નિર્માણનું પ્રતિબિંબ છે.

                લોકસભા અધ્યક્ષએ વિધાનમંડળના પીઠાસીન અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિચારો અને થયેલા નવાચારને બિરદાવતાં કહ્યું હતું કે, પીઠાસીન અધિકારીઓ આ સમારોહમાં થયેલા નિર્ણયોને સમયબદ્ધ રીતે ક્રિયાન્વિત કરી લોકતંત્રને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન આપી શકશે.

              રાજ્યસભાના ઉપસભાપતિ  હરિવંશ નારાયણ સિંઘે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આપણે સમયને અનુરુપ સંસદીય કાર્યપ્રણાલીમાં પરિવર્તન કરવા જરૂરી છે. આ સંદર્ભે તેમણે વિશ્વમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં આવી રહેલા પરિવર્તનોની રૂપરેખા આપી હતી.

               તેમણે પીઠાસીન અધિકારીઓને બદલાઈ રહેલી ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકતાંત્રિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અનુરોધ કર્યો હતો અને પક્ષ-હિતના બદલે દેશહિતને પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી હતી.

કોવીડકાળનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આપણે અસાધારણ સંજોગોમાં પણ સદનની કાર્યવાહી કઈ રીતે ચાલી શકે તે સંદર્ભે પણ વિચારવું રહ્યું.

                 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, બંધારણના ત્રણેય સ્તંભ – ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સામંજસ્ય થકી દેશનો સર્વાંગી વિકાસ કરી શકાય છે. આ માટે દૃઢ ઇચ્છાશક્તિનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, કેવી રીતે એક વિચારને દૃઢ સંકલ્પશક્તિ થકી કાર્યાન્વિત કરી શકાય છે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે સ્ટેચ્યુ ઑફ યુનિટી છે.

                સાતપુડા અને વિંધ્યાચલની પર્વતમાળાની વચ્ચે ‘જંગલમાં મંગલ’ જેવું આ સર્જન માત્ર બે વર્ષમાં પરિપૂર્ણ કરવું એ વડાપ્રધાનની દૃઢ ઇચ્છાશક્તિનું જ પરિણામ છે. રાજ્યપાલએ એમ પણ જણાવ્યું કે, આઝાદી સમયે પણ દેશી રજવાડાંઓને એક કરી, અખંડ ભારત નિર્માણનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ કરી શક્યા, એ પણ આવી જ દૃઢ ઇચ્છાશક્તિના કારણે જ શક્ય બન્યું છે. એ સિવાય આજના દેશની કલ્પના જ ન થઈ શકે. આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર બે વર્ષમાં ઉભું કરાયું છે. ઇતિહાસમાં આવો કોઈ દાખલો નથી નોંધાયો. આપ સૌ પણ આ સ્થળેથી પ્રેરણા લઈને જાઓ અને અન્યોને પણ આવવા જણાવો, જેથી આ સ્થળ પ્રેરણાસ્રોત બની રહે.

                 તેમણે જણાવ્યું કે, આજે બંધારણ દિવસ છે. ભારતીય બંધારણે નાગરિકોને જે સ્વતંત્રતા આપી છે, એ અન્ય કોઇએ નથી આપી. ભારતીય બંધારણ દુનિયા માટે આદર્શ બન્યું છે. બંધારણમાં નિયત કરવામાં આવેલા ત્રણેય સ્તંભ વચ્ચે આંતરિક એકતા અને સામંજસ્ય થકી લોકોનો સર્વાંગી વિકાસ શક્ય છે. તે માટે આ બે દિવસ દરમિયાન વિચાર કરવામાં આવ્યો છે. આવી લોકશાહીથી નાગરિકો માટે વિકાસ અને પ્રગતિનો રાહ ખોલી શકાય છે.

                 સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના ચિંતન વિચાર સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા રાજ્યપાલએ પ્રેરણા આપી હતી. અંતમાં આચાર્ય દેવવ્રતજીએ સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવા બદલ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ તેમજ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. દેશને વડાપ્રધાનનરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રીશ્રી અમિત શાહ સહિત અનેક મહાપુરુષોની ભેટ આપનાર આ ગરિમામય ધરતી પર ઉપસ્થિત રહેવા બદલ તમામ અતિથિઓનો આભાર વ્યક્ત કરી, આ સંમેલન માટે કેવડિયાની પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીને પણ ધન્યવાદ પાઠવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.