જોટાણા પંથકમાં પોલીસ સુરક્ષામાં વધારો કરવાની જોટાણા વેપારી એસોશિએશનની રજૂઆત

શેર કરવા અહીં ક્લિક કરો.

જોટાણા પંથકમાં ચોરી, લૂંટ, હત્યાના વધતાં જતાં પ્રમાણને લઇ પોલીસ સુરક્ષામાં વધારો કરવાની માંગ

ટૂંક સમયમાં પોલીસ સુરક્ષામાં વધારો નહી કરાય તો જોટાણા વેપારી એસોશિએશન દ્વારા દુકાનો બંધ રાખી ગાંધી ચીંધ્યાં માર્ગે વિરોધ કરવાની મહેસાણા કલેકટરને ચીમકી ઉચ્ચારી 

ગરવી તાકાત, મહેસાણા તા.29 – જોટાણા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેને પગલે જોટાણા પંથકમાં ભયના વાતાવરણ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે જોટાણા વેપારી એસોસિએશન દ્વારા આ બાબતે આવેદનપત્ર પાઠવી આ પંથકમાં પોલીસ સુરક્ષામાં વધારો કરવાની મહેસાણા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી જોટાણા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ચોરી-લૂંટફાટનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. થોડા સમય અગાઉ જોટાણા મુકામે આવેલ ભરતભાઇ પટેલના ત્યાં દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારબાદ બાજુના ગામ મેમદપુરમાં નવ યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. જ્યારે અત્યારે તાજેતરમાં જ કોંગ્રેસના અગ્રણી મુકેશ ચાવડાના ઘરે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં 48 લાખના મુદ્દામાલની લૂંટ થઇ હતી. ધોળે દિવસે બનતાં આવા બનાવોથી જોટાણાના રહીશો વેપારીઓ, તેમજ આજુબાજુના ગામડાઓમાં અત્યારે ભયનો માહોલ સર્જાયો છે.

અહીં લોકોમાં ભય દુર થાય તેમજ બજારમાં સલામતી જળવાઇ રહે તે માટે પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવે તે માટે જોટાણાના વેપારી એસોસિએશન દ્વારા મહેસાણા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. અને જો ટૂંક સમયમાં પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે બજારો બંધ રાખી વિરોધ કરવાની ચિમકી પણ જોટાણા વેપારી એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.