માસ ફાયનાન્સમાંથી 4 કરોડની લોન લીધા બાદ ભરપાઇ ન કરતાં હિમાદ્રી ફલેટના રહીશો ન ઘરના કે ન ઘાટના
વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરનારા બે બિલ્ડરો સામે રહીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – મહેસાણાના બે બિલ્ડરોએ ફલેટ બનાવવા માટે સોમનાથ રોડ પાસેની જમીન પર માસ ફાયનાન્સમાંથી રૂપિયા ચાર કરોડની લોન લીધી હતી અને ફલેટનું નિર્માણ કરી દીધું હતું. આ તૈયાર થયેલા ફલેટ બિલ્ડર જીજ્ઞેશ પરમાર અને બિલ્ડર પ્રકાશ વર્માએ રહીશોને વેચાણ કરી દીધા હતા અને તે ફલેટની કિંમત પણ રહીશો પાસેથી વસૂલી લીધી હતી. જો કે ફલેટ ખરીદનાર રહીશો એ બાબતથી અજાણ હતા કે માસ ફાયનાન્સના ચાર કરોડના બોજા તળે આ ફલેટ બનાવવામાં આવ્યાં છે.
ત્યારે આ બંને ઠગ ભગત બિલ્ડરોએ રહીશોના ફલેટના રૂપિયા ખંખેરી લીધા બાદ માસ ફાયન્સનાની ચાર કરોડની લોન ભરપાઇ ન કરતાં માસ ફાયનાન્સ દ્વારા રહીશોને નોટીસ ફટકારાતાં હિમાંદ્રી ફલેટના રહીશોની હાલત ના ઘરના કે ના ઘાટના જેવી થઇ હતી. બિલ્ડરોની આ પ્રકારની છેતરપિંડીએ હિમાદ્રી ફલેટના 146 રહીશોના પગ તળેથી જમીન ખસકી ગઇ હતી. જેને લઇને આખરે ફલેટના રહીશો દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આ બંને ઠગભગત બિલ્ડરો વિરુદ્ધ નોંધાવા પામી છે.
બિલ્ડરો એ માસ ફાયનાન્સની લોન ભરપાઈ કરી નહોતી જેથી કલેકટર હુકમ કર્યો હતો કે ફ્લેટ પર લીધેલ લોન ભરપાઈ ન થતા ફ્લેટ સિઝ કરવા આદેશ કર્યો હતો. સમગ્ર કેસમાં હિમાંદ્વી ફ્લેટમાં રહેતા 146 પરિવાર હાલમાં ચિંતામાં મુકાયા છે. ત્યારે ફ્લેટમાં રહેતા જશવંત ભાઈ મકવાણા સહિતના રહીશોએ સહીઓ કરી મહેસાણા એ ડિવિઝન પોલીસમાં બિલ્ડરો સામે છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
ત્યારે હવે જોવું રહ્યું કે કાયદેસર રીતે ફલેટ ખરીદનાર રહીશોને પોતાના આશિયાના મળશે કે કેમ? કારણ કે હાલ તો રહીશોને નોટિસ ફટકારી છે. ત્યારે રહીશોએ બિલ્ડરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે બિલ્ડરો માસ ફાયનાન્સની લોન ભરપાઇ કરી હિમાદ્રી ફલેટના રહીશોને ન્યાય આપશે કે પછી બંને બિલ્ડરો હાથ અધ્ધર કરી દેશે. આ સંજોગોમાં ફલેટના તમામ રહીશોએ એક સંપ થઇ હાઇકોર્ટના શરણે જાય તો ન્યાય મળવાની આશા પ્રબળ બની શકે તેમ છે. ત્યારે હાલ તો આ ઠગભગત બિલ્ડરોએ રહીશો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે ત્યારે આ છેતરપિંડીમાં કેવો વળાંક આવે છે તે જોવું રહ્યું.