અધિક કલેક્ટરની શુભેચ્છા મુલાકાત રાજપૂત ભવનની ખોટમાં ગતિ આપી, પ્રાણ ફૂંક્યા
શિક્ષણ, ભવિષ્ય, સામાજિક ઉત્થાન જેવા અનેક મુદ્દાઓ ઉપર મીઠી ચર્ચાઓએ મુલાકાતને યાદગાર બનાવી

મહેસાણા ખાતે અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ પામેલ પ્રદિપસિંહ રાઠોડની મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સામાજીક મુલાકાત સમયે શિક્ષણ, ભવિષ્ય, સામાજિક ઉત્થાન જેવા અનેક મુદ્દાઓ ઉપર મીઠી ચર્ચાઓએ મુલાકાતને યાદગાર બનાવી મુકી હતી. આ વેળાએ અધિક કલેક્ટરે સમાજના યુવાઓને શિક્ષણ તરફ વાળવા આહવાન કર્યું હતું.
સામાજીક મુલાકાતમાં અધિક કલેક્ટર અને રાજપૂત અગ્રણીઓ વચ્ચે ભવન બનાવવા માટેના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વર્ષે-દહાડે સામાજિક પ્રસંગોપાત મોટી સંખ્યામાં સમાજ એકઠો થઈ ભાઈચારો કેળવે છે. પરંતુ આવા સમયે પોતાનું ભવન ન હોવાનું દુઃખ સમાજ અનુભવતો હોય છે. જોકે, આજની આ શુભેચ્છા મુલાકાતથી ફરી એકવાર જિલ્લામાં રાજપૂત ભવન માટે પડી રહેલી ખોટને ગતિ મળશે તેમ લાગી રહ્યું છે. આથી આ પ્રશ્ન ઉપર સમાજે ભાર મુકી ભવિષ્યમાં રાજપૂત સમાજમાંથી સહયોગ મેળવી એક ભવન બનાવાશે. જેમાં નવયુવાનોને ભારત સરકાર અને ગુજરાત સરકાર તેમજ સહકારીક્ષેત્રો તરફ વાળવા ક્લાસીસ, પુસ્તકાલય તેમજ યુવાનોની જિજ્ઞાસા પ્રવૃત્તિમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરવા ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના અગ્રણીગણ વિજયસિંહ ચાવડા, દિલીપસિંહ જાડેજા, જયદેવસિંહ ચાવડા, જીતુભા સોલંકી, ઈન્દ્રજીતસિંહ ઉપસ્થિત રહી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડને બુકે આપી સન્માનીત કર્યા હતા. તેમજ પ્રદિપસિંહે પોતાના વ્યસ્ત સમયમાં પણ સમાજ તરફથી મુલાકાત બદલ મીઠો આવકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સામાજીક મુલાકાત વેળાએ અધિક કલેક્ટરની નિષ્ઠા છલકાઈ આવી
મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર અને રાજપૂત સમાજ વચ્ચે સામાજીક રીતે શુભેચ્છા મુલાકાત હતી. પરંતુ ચર્ચાઓ સમયે સમાજ ઉત્થાનની વાતથી અધિકારી પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી સવર્ણ વર્ગ માટે આર્થિક રીતે પછાત આયોગ, બક્ષીપંચ, એસ.સી., એસ.ટી. સમાજના ઉત્થાન માટે અનેક યોજનાઓ ચાલે છે. જેના થકી તમામ વર્ગોને આગળ વધારવા વહિવટીતંત્ર પોતાના તમામ પ્રયાસો કરી રહી છે. જે લોકો આવી યોજનાઓથી વંચિત રહી ચુક્યા છે અથવા જાણકારીના અભાવને લઈ મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમના સુધી નજીકના સમયમાં અમે પહોંચીશું. આમ સામાજિક મુલાકાતમાં પોતાના પદને શોભાવતા અધિકારી પ્રત્યેની નિષ્ઠા જોવા મળી હતી.