અહેવાલ, તસ્વીર - જંયતી મેતીયા

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારીઓની કટકીની રકમ વધી હોવાની ચર્ચા વહેતી થઇ..

ધાનેરામાં સરકારની ગરીબો માટેની પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કરાર આધારીત કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હોવાનું અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારીની ચુપકીદી સામે તાલુકાના લોકોમાં અનેક સવાલો સર્જાઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે છત મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને સપનાનું ઘર બનાવી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનામાં લાભાર્થીઓને સરકારે નક્કી કરેલી રકમ મળતી હોય છે પરંતુ આ રકમમાં પણ કેટલાંક લેભાગુ તત્ત્વો કટકી કરતાં હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામી છે.  ધાનેરામાં કરાર આધારિત કર્મચારીઓ માટે આ યોજના સોનાના ઈંડા આપતી મુરઘી સમાન સાબિત થઈ છે. ૧૧ માસના કરાર આધારિત કેટલાક કર્મચારીઓ ફોર્મ દીઠ અગાઉ ૧૫ થી ૨૫ હજાર રૂપિયા જેટલી રકમ અરજદારો પાસેથી પડાવતા હતા જે વધારીને હવે ૨૫ થી ૩૦ હજાર કરી દીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારીએ મૌન સેવી લીધું હોય અનેક સવાલો સર્જાઈ રહ્યા છે. આ બાબતે જિલ્લાના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો ધાનેરા તાલુકા પંચાયતની આ યોજનામાં કામ કરતા અધિકારી અને કર્મચારીઓની પોલ છતી થાય તેમ છે ત્યારે શું આ બાબતે જિલ્લાના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.
Contribute Your Support by Sharing this News: