ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અનેક સ્થળે દારૂ બે-રોકટોક મળી રહેતો હોવાની રાવ છે. એવામાં કેટલાક કિસ્સામાં તો ખુદ પોલીસકર્મીઓએ જ દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાળતા જોવા મળે છે. જેમાં અનેક વાર ગુજરાતના પોલીસના કર્મીઓ દારૂના વેપારમાં સામેલ હોવાનુ ખુલી ચુક્યુ છે. આવો જ એક કિસ્સો અરવલ્લીમાંથી સામે આવ્યો છે. જેમાં એક પોલીસ કર્મી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. જેથી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જીલ્લાનુ વડુ મથક હિમંતનગરના A ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મી વિદેશી દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી ગઈ છે. આ પોલીસકર્મી વિરૂધ્ધ કાર્યવાહી અરવલ્લી પોલીસે કરી છે. જેમાં આરોપી પોલીસકર્મી કમ બુટલેગરને અરવલ્લીની ભીલોડા પોલીસે ટાકાટુંકા પાસેથી દબોચ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, ટાકાટુંકા પાસે કેટલાક ઈસમો દારૂની હેરફેર કરવા જઈ રહ્યા છે. આ બાતમી આધારે ભીલોડા પોલીસે એક કારની અટકાયત કરી હતી. જેમાં હિમંતનગર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસકર્મી ઝડપાયો હતો. આ કાર્યવાહી દરમ્યાન દારૂ ભરેલી કાર લઈ બે આરોપીઓ ભાગી ગયા હતા. નાશી છુટેલા આરોપીઓ ધનસોર પાસે પોતાની કાર મુકી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે કાર સહીત 4.59 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.