ગરવીતાકાત,વડોદરા(તારીખ:૦૭)

વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલુ છે. ત્યારે જાહેર કરાયેલા સ્કેચના આધારે વડોદરા પોલીસે બે શકમંદની ધરપકડ કરી હોવાનુ સુત્રો કહી રહ્યા છે. સગીરા પર સામુહિક દુષ્કર્મના કેસને ઉકેલવા માટે ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. આ દુષ્કર્મ કેસ મામલે પોલીસે હજારો લોકોની પુછપરછ કર્યાં બાદ આ બે આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા.

ગત ગુરુવારે શહેરના નવલખી મેદાનમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવીને બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા હતા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાઇ હતી. પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી. તે દરમિયાન સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી. પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે આરોપીઓ ફરાર થયા હતા.