રાજકોટના આનંદ બંગલા ચોક નજીક રાત્રે વેપારીને ત્રણ શખ્સોએ છરી બતાવી રોકડ, ચાંદીનો ચેઇન અને મોબાઇલ ફોનની લૂંટની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. માલવીયાનગર પોલીસે ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા બે સગીરની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવરાજસિંહે અન્ય બે શખ્સો મનિષ ઉર્ફ ઢોલકી હરેશ હરિયાણી અને મુળ અમરેલીના પરેશ ઉર્ફ મદારી સાથે મળી આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર તથા ગોંડલ રોડ પરીન ફર્નિચર વિસ્તારમાં આચરેલી બે લૂંટનો ભેદ ઉકેલાયો હતો. જાેકે પોલીસે લૂંટનાં ગુનામાં 2 સગીર સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
રાજકોટનાં આનંદબંગલા ચોક નજીક શનિવારે રાત્રે છરીની અણીએ લૂંટની ઘટના સામે આવી હતી. માલવિયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચતા મવડી સરદારનગરમાં રહેતા અને એસ.ટી બસ સ્ટેન્ડ પાછળ પાનનો ગલ્લો ચલાવતા જગદીશભાઇ સતિષભાઇ મંડિર સાથે લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જગદીશભાઇએ આનંદ બંગલા ચોકમાં એકટીવા ઉભુ રાખી નાનાભાઇ લખનને તે કયારે દૂકાનેથી નીકળે છે? તે પુછવા ફોન કરતો હતો.
આ દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો બાઇકમાં આવ્યા હતાં અને એકટીવાની ચાવી કાઢી લઇ મોબાઇલ ફોન આંચકી લઇ સ્વીચ ઓફ કરી દીધો હતો. એ પછી મહાવીર સેલ્સવાળી દૂકાનના અંધારા ખાંચામાં લઇ જઇ દિવાલ સાથે દબાવી છરી બતાવી હેન્ડબેગમાંથી રૂપીયા 17 હજાર રોકડા કાઢી લીધા હતાં. તેમજ ગળામાંથી ચાંદીનો લોકેટ સાથેનો ચેઇન ખેંચી લીધો હતો. આમ કુલ 24 હજારની લૂંટ થયાની માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાય હતી. જે ગુનો શોધી કાઢવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરતા ભક્તિનગર વિસ્તારમાં રહેતો ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહીલ અને બે સગીરે લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી મળતા પોલીસે દબોચી લીધા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો – રાજકોટ ભાજપે વિવાદ થતાં બીજા જ દિવસે પદાધિકારીઓની નિમણુંક રદ કરી
પોલીસના જણાવ્યા આધારે, આરોપી ધ્રુવરાજસિંહની પુછતાછ કરતા અન્ય બે લૂંટના ભેદ પણ ખુલ્યા હતાં. જેમાં તેની સાથે સગીરો નહિ પણ ઘનશ્યામનગરનો મનિષ ઉર્ફ ઢોલકી હરિયાણી અને પરેશ ઉર્ફ મદારી સામેલ હતાં. પરેશ મદારી ફરાર હોવાથી પોલીસે તેની ધરપકડ કરી નથી. જાેકે આરોપી મનિષ ઉર્ફ ઢોલકીને પોલીસે દબોચી લીધો હતો. આ ત્રણેયએ અઢી મહિના પહેલા કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ નજીક અરવિંદભાઇ બોદરને આંતરી છરી બતાવી તુલસીના પારાવાળી માળા રૂપીયા 20 હજારની અને 10 હજાર રોકડા લૂંટી લીધા હતાં.
પોલીસે લૂંટને અંજામ આપનાર ધ્રુવરાજસિંહ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ સુત્રોનાં કહેવા મુજબ, ધ્રુવરાજસિંહ પોતાની ગેંગ ચલાવતો હતો. જાેકે ગેંગનાં બે હિસ્સા થતા અલગ અલગ શખ્સોને સાથે રાખીને લૂંટને અંજામ આપતો હતો. એકલ – દોકલ લોકોને છરી બતાવી પોતાનાં મોજશોખ પૂરા કરવા લૂંટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જાેકે પોલીસને ધ્રુવરાજસિંહે અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાની શંકા છે. હાલ પોલીસ આરોપી ધ્રુવરાજસિંહની પુછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવરાજસિંહ કેટલા ગુનાઓ કબુલે છે તે જાેવું રહ્યું.