ગરવીતાકાત,રાજકોટ(તારીખ:૧૫)

શહેરમાં હેલ્મેટના કાયદાનો ધરાર અમલ કરાવવા માટે લાગી પડેલી પોલીસે આજે પણ કડકાઈથી દંડ વસુલવાની કામગીરી કરી એકંદરે ૬૭૦૦ વાહન ચાલકોને દંડયા હતા. ૫૦૦ લેખે દંડની રકમ ગણીએ તો આજના દંડનો આંક ૩૪ લાખે પહોંચે તેમ છે.ટ્રાફિકના નવા આકરા દંડને પગલે કેટલાય ગરીબ અને શ્રમિક પરિવારોનાં બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેની ચિંતા કર્યા વગર કેસો કરવાની સુચના આપી રહ્યા છે.

શહેરમાં પોલીસ પાસે એક માત્ર હેલ્મેટના કાયદાની અમલવારીનું જ કામ બાકી રહ્યું હોય તેમ શહેરભરની પોલીસને તેમાં લગાડી દેવાઈ છે. ટ્રાફિક બ્રાન્ચ ઉપરાંત શહેરના દરેક પોલીસ મથકનો સ્ટાફ સવાર સાંજ ‘શિકાર’ની શોધમાં લાગી પડે છે અને આકરા દંડ વસુલ કરે છે અગર તો મેમા ફટકારે છે.આજે ટ્રાફિક પોલીસે ૨૧૮ કેસો કરી ૧ લાખ ૭ હજારનો હાજર દંડ વસુલ્યો હતો. જ્યારે સીસી ટીવીમાં ૪૮૪૩ વાહન ચાલકો કેદ થયા હતા. આ ઉપરાંત આરટીપી એપ હેઠળ ૧૮૨૨ વાહન ચાલકોનાં ફોટા પાડવામાં આવ્યા હતા. તમામ ગણીએ તો આજે એક જ દિવસમાં ટ્રાફિક પોલીસે ૬૬૮૩ વાહન ચાલકોને દંડયા હતા.

શહેરભરમાં પ્રજામાં હેલ્મેટ બાબતે વ્યાપક રોષ અને નારાજગી હોવા છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોઈ ‘રાહત’ આપવાના મૂડમાં નથી. તે જોતા આગામી દિવસોમાં પણ પોલીસ મોટાપાયે કેસો કરે તેવા સંકેતો મળ્યા છે.જાણકારો કહે છે, પોલીસ ભલે રોજ આકરી બની ટ્રાફિકના કેસો કરતી હોય પરંતુ ભવિષ્યમાં તેની કિંમત ભાજપને પાર્ટી લેવલે ચૂંટણીમાં ચુકવવી પડે તો નવાઈ નહીં ગણાય.પોલીસનું કાંઈ બગડી જવાનું નથી. પરંતુ ભવિષ્યમાં શહેરમાં રાજનિતિ કરનારાઓને જવાબ આપવો ભારે થઈ જાય તેવી સ્થિતિ સર્જાય તેવી સંબાવા નકારાતી નથી.

Contribute Your Support by Sharing this News: