મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 2 વિદ્યાર્થીઓને પોલેન્ડ ઇમિગ્રેશન અધિકારીની ભૂલના કારણે હેરાન થતાં તેમને ભારત પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રિયા શૈલેશભાઈ પટેલ અને હર્ષકુમાર દિનેશભાઇ પટેલ કેનેડા અભ્યાસ અર્થે જઇ રહ્યા હતા. તેમની પાસે જરૂરી વિઝા અને અન્ય કાગળો પણ હતા. તેઓ જયારે પોલેન્ડ દેશ પહોંચ્યા ત્યારે તેમના વિઝા નંબરની કોમ્પ્યુટર માં એન્ટ્રી કરવામાં પોલેન્ડ ઇમિગ્રેશન અધિકારી એ ભૂલ કરી હતી જેથી તેમને પોલેન્ડ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગ દ્વારા પૂછપરછ માટે રોકવામાં આવ્યા હતા. પછી થી પોલેન્ડ ઇમિગ્રેશન અધિકારી એ પોતાની ભૂલ સ્વીકારી નહિ અને કેનેડીયન સરકાર દ્વારા આ બંને વિદ્યાર્થીઓ ને ભારત પાછા મોકલી દેવાની પ્રક્રિયા હાથ ઉપર લીધી.
જેથી બંને વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. તેમણે ભારતમાં તેમના પરિવાર ને આના વિષે જાણ કરાતા તેઓ પણ ચિંતાતુર થઇ ગયેલ હતા અને વિદેશમાં ફસાયેલા તેમના સંતાનો ને લઈને શું કરવું શું ના કરવું તે મૂંઝવણ માં હતા ત્યારે ગોઝારીયા જિલ્લા ડેલીગેટ મિહિરભાઈ પટેલ દ્વારા રાત્રે બાર વાગે સાંસદ શારદાબેનના અંગત મદદનીશ (PA) જસ્મીન પટેલનો સંપર્ક કર્યો હતો અને વિદ્યાર્થીના પરિવારના સભ્ય સાથે સંપૂર્ણ માહિતી લીધી હતી અને પુરેપુરી મદદ કરવાની ખાતરી આપી હતી. રિયા શૈલેશભાઈ પટેલ અને હર્ષકુમાર દિનેશભાઇ પટેલ દ્વારા સાંસદ શારદાબેન પટેલના ઈમેલમાં સંપૂર્ણ માહિતી મોકલી આપી હતી.
જેને સાંસદ દ્વારા વિદેશ મંત્રાલય અને પોલેન્ડ તથા કેનેડા કોન્શ્યુલેટ જનરલની ઓફિસમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક વિદ્યાર્થીઓ ને મદદ કરીને કેનેડા અભ્યાસઅર્થે પહોંચાડવા રજૂઆત કરી હતી. ત્યાર બાદ વિદેશ મંત્રાલયના અન્ડર સેક્રેટરી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઝડપથી વિદ્યાર્થીઓ સુખ શાંતિ થી કેનેડા પહોંચે તે માટે તાત્કાલિક પગલા લેવા કહેવામાં આવેલ. વિદેશ મંત્રાલયના અન્ડર સેક્રેટરી દ્વારા તુરંત જ આગળ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને તેના પરિણામ સ્વરૂપે બંને વિદ્યાર્થીઓ ને ભારત પરત ના મોકલતા કેનેડા મોકલી આપવામાં આવ્યા હતા.