પૂર્વ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ એમ.ડી તરીકે નિયુક્ત કરાયાં
કડી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વા.ચેરમેનની ટર્મ પૂર્ણ થતા સોમવારે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં સર્વાનુમતે ચેરમેન તરીકે પિયુષભાઇ પટેલ અને વા.ચેરમેન તરીકે ભરત બી.પટેલ ની વરણી કરી હતી. જ્યારે પૂર્વ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ એમ.ડી બન્યા હતા. રાજ્યમાં બેન્કીંગ ક્ષેત્રે અગ્રેસર 18 શાખાઓ સાથે 1400 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કડી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ હતી.આર.બી.આઈના નિયમોનુસાર સોમવારે સાંજે બેંકના સભા હોલમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી.બેઠકમાં પૂર્વ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ સહિતના તમામ ડિરેક્ટરોએ સર્વાનુમતે બેંકના આગામી ચેરમેન તરીકે પિયુષભાઈ પટેલની વરણી કરી હતી.
વાઈસ ચેરમેન પદે ભરતભાઈ. બી.પટેલ અને એમ.ડી પદે પૂર્વ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલની બીનહરીફ વરણી કરતા બોર્ડના તમામ ડિરેક્ટરો સહીત સ્ટાફે હોદેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છા આપી હતી. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની રાહબરી હેઠળ બેંકમાં છેલ્લા પંદર વર્ષથી ઈલેક્શન નહીં સીલેક્શનથી ડિરેક્ટરોની વરણી થતા બેંક પ્રગતિશીલ બની છે.બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, એપીએમસી ચેરમેન તથા બેંકના ડિરેક્ટર રાજુભાઈ પટેલ (સરસાવ),જિલ્લા ભાજપ મહામંત્રી તથા ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ભરતભાઈ પટેલ, કે.સી.પટેલ (કુંડાળ) શિરીષ પટેલ, શંકર કેલા, નયનાબેન પટેલ,અરવિંદ નાયક સહિત ઉપસ્થિત રહ્યા હતા.