રેસ્ટોરન્ટના માલિકે ભૂલ સ્વીકારી : અમુક વાર રસોઈમાં જીવાત આવી જતી હોવાનું કબૂલી લીધુ

ગરવીતાકાત પાટણ: પાટણના વદાણી નજીક આવેલી ભગવતી રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતી રસોઇમા ઘણીવાર જીવાત પીરસી દેવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી છે. સામાન્ય રીતે હોટલોમાં જમવાનું લોકોને બહુ શોખ હોય છે. પરંતુ ઘણીવાર કેટલીક હોટલોમાં જે બનાવો સામે આવતા હોય છે તે જોયા બાદ હોટલમાં જમવાની ઇચ્છા પણ ન થાય તે પ્રકારે રસોઈ પીરસવામાં આવતી હોય છે. પાટણ જિલ્લાના વદાણી નજીક આવેલી ભગવતી રેસ્ટોરન્ટમાં પણ કંઈક આવી જ સ્થિતિ હોવાનું જોવા મળ્યું હતું. આ હોટલમાં જમવા ગયેલ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેણે દાળ બાટીની ડિશ મંગાવી હતી. રૂ.૯૦/- માં મંગાવવામાં આવેલી દાળબાટીની ડીસોમાં જીવાત આવતાં આ બાબતનું હોટલ માલિકને ધ્યાન દોરવામાં આવ્યું હતુ. આથી હોટલ માલિકે કબુલાત કરી હતી કે ઘણીવાર લાઇટના અજવાળે રસોઈ બનાવવામાં આવતી હોવાથી જીવાત આવી જાય છે પણ હવે પછી તેઓ ધ્યાન રાખશે. આમ પાટણના વદાણી પાસે આવેલી આ હોટલમાં જીવાત પીરસતા હોટલ માલિકો સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારે પગલાં ભરશે તેવા સવાલો ઉઠ્યા છે. સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે અલગ અલગ ઋતુમાં અલગ અલગ ચીજ વસ્તુઓના વેચાણમાં પણ નિયમો નેવે મૂકીને અખાદ્ય પદાર્થો વેચવામાં આવી રહ્યા છે પરંતુ આ બાબતે કોઇ જ કાર્યવાહી ન થતાં આવા વેપારીઓ ખુલ્યા ફાલ્યા છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા આવા હોટલ માલિકો સામે કડક પગલા ભરવામાં આવે તેવી જન માંગ ઉઠવા પામી છે.

Contribute Your Support by Sharing this News: