ગરવી તાકાત, અમદાવાદ તા. 22 – અમદાવાદ શહેરના લોકોને એક નવું નજરાણું મળશે. વાત જાણે એમ છે કે, રિવરફ્રન્ટ ઉપર આવતા લોકોને આકર્ષવા માટે એક નવું આકર્ષણ બનશે. વિગતો મુજબ ટૂંક સમયમાં દુબઈનાં પ્રખ્યાત મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. આ તરફ ગ્લોબલ પાર્ક, બટરફ્લાય પાર્ક અને અટલ બ્રિજ બાદ રિવરફ્રન્ટ ઉપર નવું આકર્ષણ બનશે. આ સાથે ફ્લાવર ગાર્ડનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે.
દુબઈનાં પ્રખ્યાત મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો મ્યુઝિકલ ફાઉન્ટેન – અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ પાસે દુબઈનાં પ્રખ્યાત મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો જ 20 મીટર પહોળો અને 25થી 40 મીટર ઊંચાઈનો મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવાશે. વિગતો મુજબ તેમાં ઓછામાં ઓછી 400 નોઝલ હશે આબે આ ફાઉન્ટેન L શેપમાં હશે. આ સાથે આ ફાઉન્ટેનને અટલ બ્રિજ પરથી સારી રીતે જોઈ શકાશે. મ્યુઝિકલ ફાઉન્ટેન માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ (EOI) મંગાવ્યા છે. મ્યુઝિકલ ફાઉન્ટેન પાછળ અંદાજિત 6 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ફ્લાવર ગાર્ડનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનશે – આ સાથે સાબરમતી કિનારે રિવરફ્રન્ટ પરના ફ્લાવર ગાર્ડનમાં ટૂંક સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે. માહિતી મુજબ 3.5 કરોડના ખર્ચે બનનારા ગ્લો ગાર્ડન માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્લો ગાર્ડનમાં 200 ફૂટની ગ્લોઈંગ ટનલ, જુદી જુદી ડિઝાઈનના 80થી 90 સ્કલ્પચર મુકાશે.
શું-શું હશે આ ગ્લો ગાર્ડનમાં ? – અહીં ઝાડ, નાના-નાના છોડ, પશુ-પક્ષીઓ, કાર્ટૂનના વિવિધ કેરેક્ટર હશે. આ સિવાય ગાર્ડનમાં સ્વિંગ્સ, લાઈટ બેન્ચ, વોક-વે હશે. ગ્લો ગાર્ડનમાં 2 સેલ્ફી પોઈન્ટ પણ ઊભાં કરવામાં આવશે જે 3 ફૂટ સુધીનો હશે. ગ્લો ગાર્ડનની અંદર 80થી 90 સ્કલ્પચર મુકવામાં આવશે. ફ્લાવર શો પછી ફેબ્રુઆરીમાં ગ્લો ગાર્ડનનું કામ શરૂ કરાશે અને મે સુધીમાં પૂરું કરવાનું રહેશે.