— મહેસાણા-ઊંઝા હાઇવે પરની ઘટના
ગરવી તાકાત મેહસાણા: વિસનગરના ભાન્ડુ ગામે ગેટ નજીક રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું ગાડીની ટક્કરે સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે વિસનગર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.
મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલા ભાન્ડુ ગામે વચલી પાર્ટી વિસ્તારમાં રહેતા પટેલ ચતુરભાઈ ઇશ્વરભાઇ શુક્રવારે ગામના ગેટની સામે લારી નજીક બેઠા હતા. થોડાક સમય બાદ તેઓ ઘરે જવા રોડ ઓળંગી રહ્યા હતા. તે સમયે અજાણી સફેદ ગાડીના ચાલકે તેમને ટક્કર મારી હતી.
જેમાં તેઓ રોડ પર પટકાતાં માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં 108 ઇમરજન્સીમાં સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ચતુરભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. આ અંગે પટેલ મુકેશભાઈ ધનજીભાઈએ વિસનગર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનું પીએમ કરાવી પરિવારને સોંપ્યો હતો, જ્યારે ગાડીચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.