સૌરાષ્ટ્રમાં છ થી આઠ બેઠકો પર અસર થશે તેવી માહિતી ભાજપ મોવડીમંડળનો આંતરિક સર્વે મારફત મળી પછી ડેમેજ કંટ્રોલ માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા
ગરવી તાકાત, રાજકોટ તા. 22 : – ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોથી આ સમુદાયમાં આક્રોશનું જે વાવાઝોડું ફુંકાયું અને તે બાદ રાજકોટ પાસે બોયકોટ રૂપાલાના નારા હેઠળ ક્ષત્રિય સમાજનું જે વિશાળ સંમેલન યોજાયું તેમાં હવે છ થી આઠ બેઠકો પર જેની અસર થશે તેવી માહિતી ભાજપ મોવડીમંડળનો આંતરિક સર્વે મારફત મળી પછી ડેમેજ કંટ્રોલ માટે હવે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.
પરસોતમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ખસેડીને પાટીદાર સમુદાયના કોઈને પણ ટિકીટ આપો અમો ભાજપની સાથે છીએ તેના ક્ષત્રિય સમાજના ‘વચન’ છતા ભાજપે રૂપાલાને યથાવત રાખીને ‘જોખમ’ કરતા તેની ક્ષમતા પર વધુ ભરોસો રાખ્યો છે અને તેમાં હવે પક્ષે એક વ્યુહરચના મુજબ ક્ષત્રિય સમાજના રોષને કાળજીપૂર્વક હેન્ડલ કરવા પણ પ્રયાસો શરૂ કર્યા છે તેના ભાગરૂપે અને એકંદર સૌરાષ્ટ્રની રાજકીય પરીસ્થિતિનો તાગ મેળવવા પક્ષના મહામંત્રી રત્નાકર તથા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે પહેલા જામનગર ગયા હતા જયાં પણ ક્ષત્રિય સમુદાયની મોટી સંખ્યા છે.
અહી કોંગ્રેસ પક્ષે પાટીદારને ટિકીટ આપી છે તેથી બેઠકમાં રસપ્રદ સમીકરણો બની રહ્યા છે. જામનગર બાદ શ્રી રત્નાકર અને હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા અને કાલાવાડ રોડ પરની હોટેલ સિઝન્યર્સ રાજકોટ લોકસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યો ઉપરાંત જીલ્લા-મહાનગરના સંગઠન પદાધિકારીઓને બેઠક બોલાવી ‘ફીડબેક’ થયા હતા.
આ બેઠકમાં નિખાલસ રીતે મંતવ્ય વ્યક્ત કરતા એક સંગઠન પદાધિકારીએ ક્ષત્રિય સમાજનું આંદોલન ‘પકડાઈ’ ગયુ છે અને તેથી હવે પક્ષે તેમાં વધુ કોઈ ‘ઉગ્રતા’ ન આવે તે જ પ્રયાસો કરવા માટે જણાવ્યું હતું અને પક્ષે હવે ફકત આંતરિક પ્રયાસોથી જ આ આંદોલનનો મુકાબલો કરવો પડશે તથા પક્ષના નેતાઓને કોઈ ઉશ્કેરણીજનક વિધાનોથી પુર્ણ દુર રહેવા ખાસ તાકીદ થઈ હતી. ખાસ કરીને સોશ્યલ મીડીયામાં કોમેન્ટમાં પણ હવે સતાવાર સિવાય કોઈ હેન્ડલ પર આ વિવાદ અંગે કોઈ અભિપ્રાય કે પ્રતિભાવ નહી આપવા પણ તાકીદ કરાયા હતા.
આ બેઠકમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, મોરલના ક્ષત્રિય અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા જીલ્લા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઢોલરીયા પણ હાજર હતા.