— દીપડો દેખાતા ખેતરોમાં રહેતા લોકો ગામમાં આવી ગયા :
— સતત બીજા દિવસે દીપડાએ પોતાની દિશા બદલતા ગ્રામજનોમાં ભયનો માહોલ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકામાં આવેલા છઠિયારડા ગામના પંથકમાં છેલ્લા 10 દીવસથી દીપડો ઘુસી આવ્યાના દાવા સાથે ગામના લોકો હાલમાં ભય હેઠળ જીવી રહ્યા છે. ત્યારે છઠિયારડા ગામની સીમમાં વન વિભાગે દીપડાને પકડવા પાંજરા પણ ગોઠવ્યા છે. જોકે બે દિવસ અગાઉ દીપડાએ ગામમાં આવેલા રોહિત વાસમાં કોઈ પ્રાણીનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે અલોડા ગામમાં પણ દીપડો દેખાયો હોવાની વિગતો સામે આવી છે.
મહેસાણા તાલુકામાં આવેલા અલોડા ગામની સીમમાં આવેલા ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોએ દીપડો જોયો હોવાની જાણ અલોડા ગામના લોકોને કરી હતી. ગામના લોકો રાત્રે 9 કલાકે અલોડા ગામ પાસે આવેલી ઈટોના ભઠ્ઠા પર જઇ તપાસ કરી હતી, તેમજ દીપડાને ભગાડવા લોકોએ બુમાં બૂમ કરી હતી.
અલોડા ગામના મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ગામની સીમમાં આવેલી ઈટોના ભઠ્ઠા પર મજૂરોએ દીપડો જોયો હતો. ત્યારબાદ અમે ગામના લોકો ગાડીઓ લઈને ત્યાં જઈને તપાસ કરી હતી. બાદમાં વન વિભાગને જાણ કરી હતી. જોકે, હાલમાં ગામમાં દીપડાને લઈને લોકોમાં ડર ફેલાયો છે. ત્યારે દિવસ દરમિયાન એકલ દોકલ માણસ ખેતરોમાં જતા પણ ડરી રહ્યા છે, અને જે લોકો ખેતરોમાં રહેતા હતા એ લોકો ગામમાં રહેવા રાત્રે આવી ગયા હતા. વન વિભાગેને જાણ કરતા વન વિભાગની ટીમ પણ રાત્રે અલોડા ગામમાં દોડી આવી તપાસ આદરી હતી.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા