ગરવીતાકાત પાલનપુર: પાલનપુર શહેરના જનતાનગર વિસ્તારમાં રહેતા એક યુવકનું રવિવારે ગરમીના કારણે લુ લાગવાથી નિધન થયું હતું. જેને દફનવિધિ કરવા માટે લઈ જવાતો હતો. ત્યારે માર્ગમાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. તે દરમિયાન મૃતક યુવકના શ્વાસ શરૂ થતાં મૈયતમાં આવેલા લોકોએ તેને જનાજા સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જોકે, તબીબે યુવકને મૃત જાહેર કરતાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. આ ઘટનાક્રમને લઈ ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. પાલનપુર શહેરના જનતાનગરમાં રહેતા અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં ૨૫ વર્ષીય નદીમભાઈ યાકુબભાઈ નાગોરીને ગરમીના કારણે લુ લાગતાં મહાજન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલા હતા. જ્યાં રવિવારે સવારે ૮ કલાકે તેમનું મોત નિપજતાં પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા. જ્યાં સ્નાન સહિતની વિધિ પતાવી જનાજામાં દફનવિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા.

ત્યારે માર્ગમાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. દરમિયાન મૃતક યુવકના શ્વાસ શરૂ થતાં મૈયતમાં આવેલા લોકોએ તેને જનાજા સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જ્યાં તબીબ ડો.આઈ.બી.ખાને યુવકને મૃત જાહેર કરતાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. જોકે, ડો.આઈ.બી.ખાને જણાવ્યું હતું કે, બપોરે ૧૨ વાગ્યા સુધી યુવક જીવતો હતો. જે બાદ તેનું મોત થયું હતું. મૃતક તેમની પાછળ પત્ની અને નાની ઉંમરના એક પુત્ર- પુત્રીને વિલાપ કરતા મૂકી ગયા છે.

Contribute Your Support by Sharing this News: