પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ નેતા દ્વારા નોંધાવવામાં આવ્યો અનોખો વિરોધ
નગર પાલિકા પ્રમુખને અત્તરની ભેટ આપી કહ્યું પાલનપુર શહેરને પણ બનાવો સુગંધમય શહેર
પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા આજે નગર પાલિકાના સભાખંડ ખાતે યોજાઇ હતી. વિરોધ પક્ષના વિરોધ વચ્ચે શાસક પક્ષની સંમતિથી એજન્ડાના મુદ્દાઓને બહાલી આપવામા આવી હતી. જોકે વિરોધ પક્ષના સદસ્યા અંકિતાબેન ઠાકોર તેમજ આશાબેન રાવલ સહિત સદસ્યાઓ દ્વારા શહેરમાં રોડ રસ્તાઓની સમસ્યા તેમજ વેરા સહિતના બાબતે સભામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર દ્વારા ગંદકીમય શહેર બન્યાના આક્ષેપો સાથે શહેરને સુગંધમય બનાવવા નગર પાલિકાના પ્રમુખને અત્તર આપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ એક સમયે ફૂલો અને અત્તરોની નગરી કહેવાતી પાલનપુર નગરી આજે ગટરોની નગરી બની ગઈ હોવાના અને 5 થી 6 મહિના થયા હોવા છતા વિકાસના નામે મીંડુ હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જ્યારે પ્રમુખે આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ હોવાથી રસ્તાઓની સમસ્યા સર્જાઈ રહી હોવાનું જણાવ્યું હતુ. મહત્ત્વનું છે કે વિરોધ પક્ષના વિરોધના વંટોળ વચ્ચે શાસક પક્ષે સંમતિથી એજન્ડાના મુદ્દાઓને બહાલી આપી સભા પૂર્ણ કરી હતી.