ગરવી તાકાત મહેસાણા : મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા અંગે કડક વલણ અપનાવ્યું. નાયબ મ્યુનિસિપલ કમિશનરે જાહેર નિવેદન બહાર પાડી શહેરના તમામ પશુપાલકોને ચેતવણી આપી. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓને કારણે ટ્રાફિકની સમસ્યા સહિત અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જે પશુઓ કોઈની માલિકીના હોય, તેમના માલિકોએ તાત્કાલિક ધોરણે પોતાના પશુઓને કબજામાં લઈ, તેમની માલિકીની જગ્યામાં રાખવાના રહેશે. જો આ આદેશનું પાલન ન થાય અને પશુઓ રસ્તા પર રખડતા જોવા મળશે,
તો કોર્પોરેશન દ્વારા તે પશુઓને પકડીને સીધા પાંજરાપોળમાં મોકલી દેવામાં આવશે. વધુમાં, જે પશુમાલિકો પોતાના પશુઓને રખડતા મૂકશે, તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણય શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને નાગરિકોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા આ મામલે કોઈ બાંધછોડ કરશે નહીં અને કડક અમલવારી કરશે.