વડનગરના સબલપુરના યુવકના મોત મુદ્દે 12 લાખ ક્લેઈમ ચુકવવા વીમા કંપનીને આદેશ કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— જિલ્લા ગ્રાહક કમિશનનો HDFC સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીને હુકમ કર્યો

ગરવી તાકાત મેહસાણા: વડનગર તાલુકાના સબલપુર ગામના યુવકના મોત મામલે રૂ.12 લાખનો ક્લેઈમ ચુકવવા મહેસાણા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને વીમા કંપનીને આદેશ કર્યો છે. કુદરતી રીતે મરણ પામ્યો હોવા છતાં ટીબીના રોગથી યુવક પીડાતો હોવાની હકીકત છુપાવી હોવાનું બહાનું કાઢી વીમા કંપનીએ ક્લેઈમ નામંજૂર કર્યો હતો.

સબલપુરના દશરથજી કુબેરજી ઠાકોરે પુત્ર અનિલના નામે એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડનો રૂ.12 લાખનો વીમો લીધો હતો. ત્યાર બાદ અનિલ 3 સપ્ટેમ્બર 2014ના રોજ કુદરતી રીતે મરણ પામ્યો હતો. તેથી મૃતકના પિતાએ વીમા પોલીસી અસ્તિત્વમાં હોવાથી ક્લેઈમ માટે અરજી કરી હતી.

ફરિયાદીનો પુત્ર ટીબીના રોગથી પીડાતો હોવાની હકીકત છુપાવી હોવાનું બહાનું કાઢી વીમા કંપનીએ ક્લેઈમ નામંજૂર કર્યો હતો. તેથી મૃતકના પિતાએ મહેસાણા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વીમા કંપની સામે ફરિયાદ કરી હતી.

આ કેસ તાજેતરમાં ચાલી જતાં મૃતક ટીબીથી પીડાતો હોવાનું વીમા કંપની સાબિત નહીં કરી શકતાં ફરિયાદીના વકીલ સમીરભાઈ દોશીની દલીલો ગ્રાહ્ય રાખી કમિશનના પ્રમુખ ડી.ટી. સોનીએ ફરિયાદીને મૃતકના વીમા પેટે રૂ.12 લાખ અરજી કર્યાની તારીખથી 9 ટકા વ્યાજ સાથે 30 દિવસમાં ચૂકવી દેવા, અરજી ખર્ચ પેટે રૂ.10 હજાર અને માનસિક હેરાનગતિ માટે રૂ.15 હજાર ચુકવવાનો હુકમ કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.