નરેન્દ્ર મોદીને અટકાવવામાં વિપક્ષનું ગઠબંધન સફળ રહેશે? – દૃષ્ટિકોણ

ગમ્યું તો આગળ શેર કરો.

લોકસભા ચૂંટણીના તમામ તબક્કાઓ પર મતદાન બાદ ઍક્ઝિટ પોલનાં પરિણામો સામે આવી ગયા છે, મોટાભાગના ઍક્ઝિટ પોલ્સમાં સામે આવ્યું છે કે ફરી ભાજપ સરકાર બનાવી શકે છે.ગુજરાતની વાત કરીએ તો ભાજપને 22થી 26 બેઠક મળવાનું અનુમાન રજૂ કરવામાં આવે છે, જ્યારે કૉંગ્રેસને 0થી ચાર બેઠક મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.પત્રકાર સુનિલ જોશીએ બીબીસી ગુજરાતી સાથે ચર્ચા કરી, જ્યારે વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસે બીબીસી હિંદી સાથેના ફેસબુક લાઇવમાં ઍક્ઝિટ પોલ્સ અંગે ચર્ચા કરી હતી.


ગુજરાતમાં શું થશે?

રિપબ્લિક ટીવી-CVoterએ ભાજપને 22 અને કૉંગ્રેસને 4, ન્યૂઝ 24-ચાણક્યના ઍક્ઝિટ પોલે ભાજપને 26માંથી 26 બેઠક, એબીપી- CSDSએ ભાજપને 24 અને કૉંગ્રેસને બે, રિપબ્લિક ભારત- જન કી બાતના ઍક્ઝિટ પોલે ભાજપને 22-23 અને કૉંગ્રેસને ત્રણથી ચાર બેઠક મળશે તેવી આગાહી કરી છે.ત્યારે ગુજરાતમાં લોકો આ ઍક્ઝિટ પોલ વિશે શું માને છે તે અંગે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ રાજકોટમાં વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી સાથે વાતચીત કરી.સુનિલ જોશી જણાવે છે, “જે ઍક્ઝિટ પોલ્સ સામે આવ્યા છે તેનાથી માત્ર લોકોનું વલણ જાણી શકાય છે. પરંતુ તેને જો જોવામાં આવે તો ભાજપના નેતૃત્વ સાથે NDA આગળ છે એ સ્પષ્ટ છે.””તેનું કારણ એ છે કે લીડર તરીકે નરેન્દ્ર મોદીએ તો ખૂબ સારું કામ કર્યું જ છે, પણ વિપક્ષની વાત કરવામાં આવે તો તેઓ ચૂંટણીના મુદ્દા ઉપરથી ભટકી ગયા છે.””નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રવાદ અને હિંદુવાદ પ્રેરિત વિકાસ જેવા મુદ્દાઓની ખાસ વાત કરી છે.”


સૌરાષ્ટ્રમાં કોનું વર્ચસ્વ? 

આ અંગે સુનિલ જોશી કહે છે, “સૌરાષ્ટ્રની કુલ સાત બેઠકો છે, તેમાં હાલની તકે પાંચ બેઠકો પર ભાજપનું વર્ચસ્વ હોય એવું જણાય છે, પરંતુ જૂનાગઢ અને અમરેલીના વિધાનસભાના જે પરિણામો આવ્યા હતા તેને જોઈને લાગે છે કે ભાજપને આ બે સીટ પર પડકાર મળી શકે છે અને તે કૉંગ્રેસ માટે આશાનું કિરણ બની રહેશે.”જોશી ઉમેરે છે, “ગુજરાત ભાજપનો ગઢ છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠક મળી હતી અને સતત પાંચ ટર્મથી ગુજરાતમાં ભાજપનું શાસન છે.””એક આખી પેઢીએ કૉંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું નથી. ભાજપનું નેટવર્કિંગ, તેની વિચારશૈલી, અને હિંદુવાદી વિકાસનો ઍજન્ડા લોકોના મનમાં ઘર કરી ગયો છે.”


‘ઍક્ઝિટ પોલ પ્રમાણે ફરી ભાજપની સરકાર’

લોકસભા ચૂંટણીના પરિણામો અંગે જાહેર થયેલા ઍક્ઝિટ પોલ મામલે ભારતનું ચિત્ર વધુ સ્પષ્ટ કરવા બીબીસી હિંદીના તંત્રી મુકેશ શર્માએ ફેસબુક લાઇવ દરમિયાન વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડનીસ સાથે વાત કરી.અદિતિ જણાવે છે, “ભાજપનો દાવો હતો કે અમારી એકલા હાથે 300+ બેઠક આવશે અને માત્ર યૂપીમાં 74+ બેઠક આવશે, પરંતુ ઍક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે, તેમાં એવું કંઈ જોવા મળી રહ્યું નથી.””ઍક્ઝિટ પોલ પ્રમાણે ફરીથી ભાજપની સરકાર બની રહી હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ અન્ય પાર્ટીઓની સંખ્યા અગાઉ કરતાં ઘણી વધી રહી છે. તેનું એક કારણ એ હોઈ શકે છે કે NDAના ઘણા પાર્ટનર તેમને છોડીને જતા રહ્યા છે.””હવે UPA અન્ય પક્ષો પર ભારે ન પડી જાય તેના પ્રત્યન રહેશે. જે પાર્ટીઓ NDAની પણ નથી અને UPAની પણ નથી, તેની સાથે કેવી રીતે નિકટતા વધારવાના પ્રયાસ કરવામાં આવશે.”


શું નરેન્દ્ર મોદીને રોકવા વિપક્ષ ગઠબંધન કરશે?

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પણ મોટા દાવા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ આ ચૂંટણીમાં ઘણી આગળ આવશે અને દેશમાં મોદી સરકાર નહીં બને.પરંતુ ઍક્ઝિટ પોલ પર નજર કરીએ તો એવું દેખાઈ રહ્યું છે કે કદાચ ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બને.આ અંગે અદિતી ફડનીસ કહે છે, “મને તો એવું જ લાગી રહ્યું છે કે ફરી મોદી સરકાર જ બનશે, પરંતુ જો તમામ વિપક્ષ એક થઈ જાય તો કદાચ ઍક્ઝિટ પોલના આંકડા જોતા નરેન્દ્ર મોદીને થોડી મુશ્કેલી પડી શકે છે.”દક્ષિણ ભારતમાં પાર્ટીઓનું ગઠબંધન કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. YSR કૉંગ્રેસ તરફથી જગનમોહન રેડ્ડી, ચંદ્રબાબુ નાયડુનું એકસાથે આવવું કદાચ શક્ય નથી.ત્યારે એ સવાલ ઊભો થાય છે કે દક્ષિણ ભારત જ એવો વિસ્તાર છે કે જ્યાં નરેન્દ્ર મોદીને બહુમત ન મળે, તો શું આ બધા પક્ષો ગઠબંધન કરી શકે છે ખરા?આ અંગે અદિતિ ફડનીસ કહે છે, “એવું બની શકે છે અને કદાચ ભાજપ તરફથી પણ તેમની સાથે હાથ મિલાવવાનો પ્રસ્તાવ આપવામાં આવે, કેમ કે હાલ જ યોજાયેલી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેસ કૉન્ફરન્સમાં શાહે કહ્યું હતું કે જે પક્ષો સમાન વિચારસરણી ધરાવે છે, તેમના માટે અમારા દરવાજા હંમેશાં ખુલ્લા છે.””ત્યારે હવે કદાચ કેટલાક દરવાજાની સાથે બારીઓ પણ ખૂલી જશે. અન્ય પાર્ટીઓ UPA તરફ ન જાય તેના માટે પણ વધારે પ્રયાસ કરવામાં આવશે.”


પ્રિયંકા ગાંધીએ આશા પર પાણી ફેરવ્યું?

કૉંગ્રેસની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ આ તેમની પહેલી લોકસભા ચૂંટણી છે અને આ ચૂંટણીમાં તેમણે પૂરું જોર લગાવ્યું.જોકે, એક પણ ઍક્ઝિટ પોલ એવો નથી કે જે કૉંગ્રેસ એકલા હાથે 100 કરતાં વધુ બેઠક મેળવશે તેવી આગાહી કરી હોય.એ વાતમાં કોઈ બેમત નથી કે ગત લોકસભા ચૂંટણીમાં જે કૉંગ્રેસને માત્ર 44 બેઠક મળી હતી, તેના કરતાં આ વખતે વધારે બેઠક મળશે, તેવું ઍક્ઝિટ પોલ્સમાં જણાય છે.પરંતુ શું એ બેઠકોનો વધારો એટલું મહત્ત્વ ધરાવે છે કે જેનાથી કૉંગ્રેસ સંતુષ્ટ થાય અને કહી શકે કે ‘હા, અમે કંઈક પ્રાપ્ત કર્યું?’આ અંગે અદિતિ ફડનીસનું માનવું છે કે કૉંગ્રેસ સંતુષ્ટ તો નહીં થાય.તેઓ કહે છે, “એવી પરિસ્થિતિ પણ નથી કે કોઈ પણ વિસ્તારમાંથી એ અવાજ ઊઠે કે રાહુલ ગાંધી સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા છે. જોકે, પ્રિયંકા ગાંધી સાથે જેટલી આશા-અપેક્ષા હતી, એટલી આ ચૂંટણીમાં પૂર્ણ થઈ નથી.””તેનું કારણ હોઈ શકે છે કે લોકો સાથે વધારે સંપર્ક નથી. NYAY યોજનાને ખૂબ મોટો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો, પરંતુ લોકો તેના અંગે શંકાશીલ હતા. કેટલીક જગ્યાએ કૉંગ્રેસનું તંત્ર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. કદાચ એ કારણ હોઈ શકે કે કૉંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું નહીં હોય.””જોકે, 44થી વધીને 80 બેઠક સુધી પહોંચવું એ મોટી વાત છે. પરંતુ વડા પ્રધાન બનવાનો રાહુલ ગાંધી જે દાવો કરી રહ્યા હતા તે સાચો સાબિત થતો દેખાઈ રહ્યો નથી. તેને જોતા કૉંગ્રેસે હજુ ઘણી વધારે મહેનત કરવાની બાકી છે.”


વિપક્ષ જઈ શકે છે ભાજપ સાથે પણ

ગઠબંધનની વાત કરવામાં આવે તો કૉંગ્રેસે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગઠબંધન કર્યું નથી.કેટલીક પાર્ટીઓને એમ હતું કે કૉંગ્રેસમાં ઘણી અકડ છે. તો તેવામાં સવાલ છે કે જો ઍક્ઝિટ પોલનાં પરિણામો સાચા સાબિત થાય તો શું અન્ય પાર્ટીઓ કૉંગ્રેસને ઝુકાવી શકશે?આ અંગે અદિતિ ફડનીસ કહે છે, “કૉંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે જેનું સંગઠન આખા દેશમાં છે. તેની પકડ દેશવ્યાપી છે, ત્યારે કૉંગ્રેસ અકડ ન બતાવે તેવી અપેક્ષા રાખવી વધારે પડતી છે.””ત્રીજા પક્ષની વાત કરીએ તો ઍક્ઝિટ પોલ પ્રમાણે, મમતા બેનરજીની બેઠકો ઓછી થતી જોવા મળી રહી છે. JDU પણ કોઈ એટલી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી નથી.”દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બેઠકો ઓછી છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનને સારી બેઠકો મળે તો સમાજવાદી પાર્ટીના ટેકાથી માયાવતીનું નામ આગળ થઈ શકે છે. જો કૉંગ્રેસના સમર્થનથી સરકાર બને તેવી સ્થિતિ ઊભી થાય તો મુખ્ય ચહેરો માયાવતીનો હશે? મમતા બેનરજીનો? કે બીજી કોઈ વ્યક્તિ?આ અંગે અદિતિ ફડનીસ કહે છે કે આ તો ચોક્કસ આંકડા મળ્યા બાદ જ ખબર પડશે.તેઓ કહે છે, “જો કૉંગ્રેસ પાસે એટલી બેઠક મળે કે તે અન્ય પાર્ટીઓ સાથે મળીને દાવો કરી શકે, તો તે ચોક્કસ દાવો કરશે. પણ જો એટલી જ બેઠકો ભાજપને મળે તથા તે અન્યનો ટેકો માગે કે કોઈ લાલચ આપે, તો શક્ય છે કે અન્ય પક્ષ ભાજપ સાથે જતા રહે.”

ગમ્યું તો આગળ શેર કરો.