બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીની કિંમતો સતત વધી રહી છે. દિલ્હી-મુંબઈ સહિત અમદાવાદમાં પણ ડુંગળીની કિંમતો 80 રુપિયા કિલો સુધી પહોંચી ગઈ છે
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો તેની ખેતી અને ખેડૂતોની આગવી કોઠાસૂઝને લઈને હંમેશા ચર્ચામાં રહ્યો છે.
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 01 – આમ તો અત્યારે ડુંગળી સામાન્ય માણસ અને ગૃહિણીઓને રડાવી રહી છે. જે ડુંગળી થોડા મહિનાઓ પહેલા ખેડૂતોના આંખમાં આસું લાવી રહી હતી તે જ ડુગંળી આજે તેમના ચહેરા પર હાસ્ય લાવી રહી છે. બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીની કિંમતો સતત વધી રહી છે. દિલ્હી-મુંબઈ સહિત અમદાવાદમાં પણ ડુંગળીની કિંમતો 80 રુપિયા કિલો સુધી પહોંચી ગઈ છે ત્યારે તહેવાર સમયે લોકોની થાળીનો સ્વાદ ચોક્કસપણે બગડશે તેવું કહી શકાય. જોકે આજે અહીં વાત કરવી છે એવા ખેડૂતની જેમના માટે આ ડુંગળી આશિર્વાદ બનીને આવી છે.
તમને યાદ જ હશે કે 3-4 મહિના પહેલા ટામેટાંના ભાવમાં આવો જ ઉછાળો આવ્યો હતો અને ત્યારે કેટલાય ખેડૂતો જેઓ ટામેટાં ઉગાડતાં હતા રાતોરાત લાખોપતિ બની ગયા હતા. આવું જ કંઈક હવે ડુંગળીના ખેડૂતો સાથે બની રહ્યું છે. તાજેતરનો દાખલો ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતનો છે જેણે 11 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને હવે 1 મહિનાની અંદર 10 લાખની કમાણીની શક્યતા જોઈ રહ્યા છે.
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો તેની ખેતી અને ખેડૂતોની આગવી કોઠાસૂઝને લઈને હંમેશા ચર્ચામાં રહ્યો છે. ત્યારે જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂત કનવરજી ઠાકોરે પોતાના 11 વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરીને વધારાની 10 લાખની આવક મેળવી છે. અહીં વધારાની આવક એટલા માટે કે તેમણે આ ખેતી ચોમાસું અને શિયાળુ બે પાકની સીઝન વચ્ચેના સમયમાં કરી છે અને આ સફળતા મેળવી છે. મહત્વનું છે કે ખેડૂતોને બે સીઝનલ પાક વચ્ચે 1થી દોઢ મહિનાનો સમય મળતો હોય છે. આ જ સમયનો આ ખેડૂતે સદઉપયોગ કર્યો છે.
બનાસકાંઠામાં મોટાભાગે ખેડૂતો શિયાળામાં બટેટા, ઉનાળામાં શક્કરટેટી અને ચોમાસામાં મગફળીનું વાવેતર કરે છે. ત્યારે ખેડૂત કનવરજી ઠાકોરે મગફળીનો પાક મેળવ્યા બાદ બટેટાની ખેતીના દોઢ મહિનાના વચગાળાના સમયમાં ડુંગળીની ખેતી કરવાનું નક્કી કર્યું. આ ખેતી માટે તેમણે 4 લાખ રુપિયા જેટલો ખર્ચ કર્યો હતો અને હાલ તેમને ખૂબ જ સારું ઉત્પાદન મળી રહ્યું છે. ખેડૂતે કહ્યું કે હાલનું ઉત્પાદન જોતાં 1 મહિનામાં 10 લાખ કરતાં વધારે આવક થશે.