ગરવીતાકાત,મહેસાણા,(તારીખ:૦૨)

મીઠા ગામની સીમમાં ઓએનજીસીની ગેસ લાઇનમાં વિસ્ફોટ થવાના બહુચર્ચિત મામલે ગંભીર રીતે દાઝી ગયેલા ત્રણે વ્યક્તિઓને વળતર અને જવાબદારો સામે પગલાં ભરવા ગ્રામજનોએ માંગણી કરી છે. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા ખેડૂતને વેન્ટીલેટર પર રખાયાં હોઇ પોલીસ નિવેદન અટવાયું હતું.

મીઠા ગામની સીમમાં હિમાંશુભાઇ પટેલના ખેતરમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાં લીકેજના કારણે થયેલા વિસ્ફોટનો અવાજ આજે પણ ગામલોકોના કાનમાં ગૂંજી રહ્યો છે. ઘટનામાં ભોગ બનેલા ત્રણે ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે. ત્યારે ગામલોકોએ તમામને વળતરની સાથે જવાબદારો સામે પગલાં ભરવા માંગણી કરી છે.

બીજીબાજુ, 84 ટકા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં અમદાવાદ ખસેડાયેલા રણછોડભાઇ રબારીને નાજુક સ્થિતિ જોતાં વેન્ટીલેટર પર રખાયાં છે. તેમના નિવેદન માટે સાંથલ પીએસઆઇ દેસાઇ દવાખાને ગયા હતા, પરંતુ તેમની સ્થિતિ જોતાં નિવેદન લઇ શકાયું ન હતું. ઉલ્લ્ેખનીય છે કે ઓએનજીસી દ્વારા લીકેજનું સમારકામ કરાયું હતું.